છત્તીસગઢઃ CRPF જવાને પોતાના ચાર સાથી કર્મચારીઓનો લીધો જીવ, ત્રણ ઘાયલ
સુકમાઃ છત્તીસગઢમાં નક્સલી ક્ષેત્ર સુકમામાં તૈનાત સીઆરપીએફના જવાને પોતાના જ સાથીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચાર જવાનોના મોત થયાં હતા. જ્યારે 3 જવાનો ઘાયલ થયાં હતા. ઘટના રાતના 3 વાગ્યાની આસપાસ સુકમા જિલ્લાના મુરઈગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલ્લી સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લિંગનપલ્લીની શિબિરમાં જવાનો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. જેના પગલે જવાને ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ જવાનોના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ચાર ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક જવાનોનું અવસાન થયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું જાણવા મળે છે. તે રાતના ડ્યુટી પર તૈનાત હતો. સીઆરપીએફની 50મી બટાલિયનના ધનજી, રાજીવ મંડલ, રાજમણિ કુમાર યાદવ અને ધર્મેન્દ્ર કુમાર ગોળીબારમાં શહીદ થયાં હતા. જ્યારે ધનંજય કુમારસિંહ, ધર્માત્મા કુમાર અને મલય રંજન મહારાણાને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જવાનો વચ્ચે ક્યાં મુદ્દે વિવાદ થયો હતો તે જાણી શકાયું નથી. જો કે, પ્રાથમિક તપાસમાં જવાનો વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યો છે. સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. જવાન દ્વારા સાથી જવાનો ઉપર ગોળીબારની ઘટના આ પ્રથમ નથી, અગાઉ પણ આવા બનાવો બન્યાં છે. જેથી આવા બનાવનો અટકાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.