નવી દિલ્હીઃ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે હતા. છત્તીસગઢના જગદલપુરમાં તેમણે જનસભાને સંબોધન કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પરિવર્તન સંકલ્પ મહાસભાને સંબોધિત કરતા અમિત શાહે આદિવાસી કલ્યાણની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે, મોદી એ દેશભરમાં આદિવાસીઓના સન્માનમાં અનેક કામ કર્યા છે. જળ, જંગલ અને જમીનની રક્ષાની સાથે આદિવાસી ભાઈઓ-બહેનોની સુરક્ષા સન્માન અને સમાવેશી વિકાસ માટે કામ કર્યું છે.
કોંગ્રેસ સહિત વિપક્ષ પર પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પહેલા કેન્દ્રમાં 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, તે સરકારે દેશભરમાં આદિવાસી કલ્યાણ માટે માત્ર 29 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ મોદીજી જ્યારે પ્રધાનમંત્રી બન્યા તેના તરત જ 1 લાખ 32 હજાર કરોડ રૂપિયાની ફાળવણી આદિવાસી કલ્યાણ માટે કરી. મોદીએ District Mineral Fund બનાવ્યું, જે અંતર્ગત છેલ્લા 9 વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયા આદિવાસી જિલ્લાઓના વિકાસ માટે ખર્ચ કરવામાં આવ્યા છે. આ ખર્ચ પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, ગૌશાળાના વિકાસ તથા ઘરે ઘરે વીજળી પહોંચાડવા જેવા વિકાસ કાર્યો માટે કરવામાં આવ્યો છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં હરિફોને પરાસ્ત કરીને વિજયી પતાકા ફરકાવવા માટે ભાજપા દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીએમ મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતના નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.