રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો વિજય થયો હતો. આ જીત બાદ આજે રાયપુરમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. આ દરમિયાન છત્તીસગઢને નવા મુખ્યમંત્રી મળ્યા છે. રાયપુર વિધાનસભા પક્ષની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે.વિષ્ણુદેવ સાય કુનકુરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. વિષ્ણુદેવ સાય વર્ષ 2020 થી 2022 સુધી છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં સ્ટીલ, ખાણ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. વિષ્ણુ દેવ સાઈ વર્ષ 1999, 2004, 2009 અને 2014માં સતત ચાર વખત રાયગઢ મતવિસ્તારથી લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.
વિષ્ણુદેવ સાયએ આ ચૂંટણીઓમાં અનુક્રમે કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા દેવી સિંહ, રામપુકર સિંહ, હૃદયરામ રાઠિયા અને આરતી સિંહને હરાવ્યા હતા. સાયએ અવિભાજિત મધ્ય પ્રદેશના તાપકારા મતવિસ્તારમાંથી 1990 અને 1993માં સતત બે વિધાનસભા ચૂંટણી જીતી હતી.આ વખતે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023માં વિષ્ણુ દેવે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય યુડી મિંજને હરાવ્યા હતા અને હવે વિધાનમંડળની બેઠક બાદ વિષ્ણુ દેવ સાયને મુખ્યમંત્રી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. બીજેપી વિધાયક દળની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે છત્તીસગઢમાં બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
છત્તીસગઢમાં સીએમ પદની રેસમાં વિષ્ણુ દેવ સાય ઉપરાંત રમણ સિંહ, રેણુકા સિંહ સહિત અન્ય ઘણા નેતાઓના નામ હતા. રેણુકા સિંહે તાજેતરમાં જ સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે. રેણુકા સિંહ રાજ્યની ભરતપુર સોનહટ સીટ પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. રાજ્યમાં ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ આ વખતે રાજ્યમાં આદિવાસી ચહેરાને મુખ્યમંત્રી બનાવી શકે છે.વિષ્ણુદેવ સાય તીર ત્રણ વખત પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ રાજ્યમાં આદિવાસીઓનો મોટો ચહેરો છે અને ત્રણ વખત રાયગઢથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સંગઠન અને આરએસએસની નજીક છે અને પાર્ટીના કાર્યકરોમાં તેમનો સારો પ્રભાવ છે.