નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં પોલીસ એન્કાઉન્ટરને લઈને વિવાદ ઉભો થાય છે. દરમિયાન સંસદમાં આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે ગૃહ મંત્રાલયે લોકસભામાં જવાબ આપ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે ડેટા અનુસાર, છત્તીસગઢમાં સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર થયા છે, જ્યારે આ યાદીમાં ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બીજેપી સાંસદ વરુણ ગાંધીએ સરકાર પાસે માહિતી માંગી હતી કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા પોલીસ એન્કાઉન્ટર થયા છે. તેના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે જાન્યુઆરી 2017થી 31 જાન્યુઆરી 2022 સુધી યુપીમાં 117 પોલીસ એન્કાઉન્ટરના થયાં છે. જ્યારે છત્તીસગઢમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ એન્કાઉન્ટરની સંખ્યા સૌથી વધુ એટલે કે 191ની નજીક છે.
યુપીના પીલીભીતના સાંસદ વરુણ ગાંધીએ એન્કાઉન્ટરમાં મૃત્યુના સંદર્ભમાં નોંધાયેલી એફઆઈઆર, પોલીસ અધિકારીઓ સામે ચાલી રહેલી તપાસ અને દોષિત ઠરેલા પોલીસ કર્મચારીઓની સંખ્યા જાણવા માગતા હતા. જો કે, ગૃહ મંત્રાલયે આ સંબંધમાં કોઈ વિગતો આપી નથી.
ગૃહ મંત્રાલયે કહ્યું, “આવો કોઈ રેકોર્ડ કેન્દ્રીય રીતે જાળવવામાં આવતો નથી. કારણ કે બંધારણની સાતમી યાદી મુજબ ‘પોલીસ અને જાહેર વ્યવસ્થા’ રાજ્યનો વિષય છે. ઉપરાંત, ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે તેમના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ આ પોલીસ કાર્યવાહીમાં મૃત્યુ 48 કલાકની અંદર નોંધવામાં આવ્યા છે.
માનવ અધિકાર પંચ (NHRC) એ પોલીસ કાર્યવાહી દરમિયાન મૃત્યુના કેસોની તપાસ માટે અનુસરવાની પ્રક્રિયા નક્કી કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. વધુમાં, ગૃહ મંત્રાલયે અન્ય એક જવાબમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2018 થી માર્ચ 2021 વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથના 23 કેસ નોંધાયા છે.