- ઘટના સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો મળ્યાં
- અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું
સુકમાઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક નક્સલવાદી માર્યો ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમાલપાડ ગામ પાસે સુરક્ષા દળોએ એક નક્સલવાદીને માર્યો હતો. સુકમામાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામ-સામે ગોળીબાર કર્યો હતો. જેમાં એક નક્સલવાદી ઠાર મારાયો હતો જ્યારે અન્ય નક્સલવાદીઓ ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી સુરક્ષાદળોને હથિયારો મળી આવ્યાં હતા. તેમજ અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની સૂચના પર સુરક્ષા દળોને મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ ફોર્સ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને ‘બસ્તર ફાઈટર’ના જવાનો સામેલ હતા. જ્યારે ટીમ તુમલપાડ ગામ પાસે હતી ત્યારે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, બંને તરફથી થોડો સમય ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સુરક્ષા દળોએ સ્થળની તપાસ કરી તો ત્યાંથી એક નક્સલીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ સ્થળ પરથી હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલીની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.
(Pboto-File)