Site icon Revoi.in

છત્તીસગઢઃ સુકમા પોલીસનો નક્સલીઓની છાવણી ઉપર દરોડા, નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલ પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા દળો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નક્સલીઓ નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રોગિતમાન કર્યાં છે. તેમજ નક્સલવાદીઓ સાથે જોડાયેલા લોકોને છોડવામાં નહીં આવે

છત્તીસગઢમાં નક્સલીઓનો વધતા આતંક વચ્ચે સુકમા પોલીસે નક્સલીઓની છાવણી પર છાપા માર્યા હતા. આ રેડ  દરમિયાન નક્સલવાદી કેમ્પમાંથી નકલી નોટો છાપવાનું મશીન મળી આવ્યું છે. પોલીસે સ્થળ પરથી રૂ. 50, 100, 200 અને 500 ની નકલી નોટો, શાહી, ઇન્વર્ટર મશીન અને હથિયારો પણ જપ્ત કર્યા છે. સુરક્ષા દળોની આ કાર્યવાહીમાં નક્સલવાદીઓના નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નક્સલવાદીઓ છેલ્લા ઘણા દિવસોથી આ નકલી નોટો છાપી રહ્યા છે, જે બસ્તરના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ બજારોમાં ખર્ચવામાં આવે છે. નક્સલીઓ કેટલા વખતથી આ નકલી નોટો છાપી રહ્યા હતા, મશીન અને શાહી ક્યાંથી મેળવ્યા તેમજ નકલી નોટો ક્યા ક્યા સ્થળો અથવા સ્થાનિક માર્કેટમાં વટાવી છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નક્સલવાદીઓએ સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે જવાનો શહીદ થયાં હતા. જેથી નક્સવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ પણ સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણની ધટનાઓ બની હતી.