Site icon Revoi.in

છત્તીસગઢઃ બલરામપુરમાં વાહન ખાડામાં ખાબકતા બે પોલીસકર્મીઓના મોત

Social Share

બલરામપુર: છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF) ના બે પોલીસ કર્મચારીઓનું નાનું કાર્ગો વાહન ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં એક CAF સૈનિક અને વાહન ચાલક ઘાયલ થયા છે.

બલરામપુર જિલ્લા પોલીસ અધિક્ષક લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના ઝારખંડ રાજ્યની સરહદે આવેલા પુંદગ અને ભુતાહી ગામો વચ્ચે બની હતી. સીએએફની 10મી બટાલિયનની ‘ડી’ કંપનીને જિલ્લાના રામચંદ્રપુરથી પુંડગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં, સુરક્ષા કર્મચારીઓ, સામાન અને અન્ય સામગ્રીને બસો અને ટ્રક દ્વારા કેમ્પના નવા સ્થાને ખસેડવામાં આવી રહી હતી.

તેમણે કહ્યું કે, જ્યારે કેમ્પ શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેને પરિવહન કરવા માટે વપરાતી મોટી ટ્રક બંદર્ચુઆ ગામથી આગળ જઈ શકતી ન હતી. ત્યારબાદ ટ્રકમાં ભરેલા માલને કેમ્પ સાઈટ પર લઈ જવા માટે ત્યાંથી એક નાનું માલવાહક વાહન મોકલવામાં આવ્યું હતું. સિંહે જણાવ્યું કે એક વખત માલસામાન વહન કર્યા બાદ જ્યારે બીજી વખત વાહન સામાન લઈ રહ્યું હતું ત્યારે ટેકરીના વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન ખાડામાં ખાબક્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટનામાં ઉત્તર પ્રદેશના રહેવાસી હવાલદાર ફતેહ બહાદુર અને છત્તીસગઢના સુરગુજા જિલ્લાના રહેવાસી કોન્સ્ટેબલ નારાયણ પ્રસાદનું મોત થયું છે અને કોન્સ્ટેબલ પ્રતાપ સિંહ અને ડ્રાઈવર ઘાયલ થયા છે.” તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની હાલ તપાસ કરવામાં આવી રહી છે.