અમદાવાદઃ હાલના જમાનામાં ફાસ્ટ ફૂડ ખાવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પણ સદીઓ જુનો રાબડીનો ખોરાક છોડ્યો નથી.
સામાન્ય રીતે સવારમાં લોકો ચા નાસ્તો કરતા હોય છે, પરંતુ આદિવાસી સમાજમાં સવારે ચા ની જગ્યાએ રાબડી પીવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. રહેણ સહેનમાં સૌથી અલગ રહેતા આદિવાસી સમાજ નું ખાન પાન પણ અલગ જ હોય છે, ત્યારે વહેલી સવારે હાથ ઘર ઘંટીથી મકાઈને કકરી દળીને તેમાંથી રાબડી બનાવવામાં આવે છે, જે રાબડીમાં તેલ મસાલા કે મરચું નાખવામાં આવતું નથી, પણ માત્ર નમકથી બાફવામાં આવે છે.
સવારે ચા ની જગ્યાએ પ્રવાહી રાબડીને નાસ્તા તરીકે લેવામાં આવે છે અને બપોરના ભોજન બાદ ભાતની જગ્યાએ માટીની હાંડલી ભરીને તેને ઉકાડીને તેનો ઉપયોગ કરે છે, અને ગરમી ની સીઝન માં તેમાં ઉપર થી છાછ, દહી, કે કેરીની ખટાશ ઉમેરી ખાખરના પાનમાં પીવામાં આવે છે.