નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન સુરક્ષાના કારણોસર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખતરાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનરને સશસ્ત્ર કમાન્ડોથી સજ્જ Z શ્રેણીની VIP સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ચૂંટણી પંચ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, દુશ્મન દેશો રાજીવ કુમાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી જ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને આ માટે 40-50 જવાનોની ટુકડી પ્રદાન કરવા કહ્યું છે. આ પગલું લોકસભા ચૂંટણીની શરૂઆત પહેલા લેવામાં આવ્યું છે. વાસ્તવમાં, 19 એપ્રિલથી દેશભરમાં સાત તબક્કામાં મતદાન શરૂ થશે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં CECને ખતરો ગણાવ્યો હતો અને મુખ્ય ચૂંટણી કમિશનર માટે કડક સુરક્ષાની ભલામણ કરવામાં આવી હતી. હવે સુરક્ષામાં વધારો કર્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર દેશભરમાં પ્રવાસ કરતી વખતે ‘Z’ શ્રેણીના સુરક્ષા કવચ હેઠળ રહેશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 1984 બેચના રિટાયર્ડ IPS ઓફિસર છે. તેમણે 15 મે 2022ના રોજ 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમને 1 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.