Site icon Revoi.in

દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે વાક યુદ્ધ શરુ થયું છે. સમગ્ર મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈડીએ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ આરંભીને સંજય સિંહના નજીકના લોકોને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાનું જાણવા મળે છે. દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સમગ્ર મામલો ખોટો હોવાનો દાવો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય સિંહના નજીકના સહયોગીઓને સમન્સ જારી કર્યા છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે ફરી એકવાર ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. સંજય સિંહના નજીકના સર્વેશ મિશ્રા, કંવરબીર સિંહ અને વિવેક ત્યાગીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. જેથી તેમની રૂબરૂ પૂછપરછ કરી શકાય. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય સિંહે સર્વેશને 1 કરોડ રૂપિયા આપ્યા હતા. સંજય સિંહની ધરપકડ બાદ AAP અને BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગાઝીપુર લેન્ડફિલ સાઇટ ગયા હતા. આ દરમિયાન તેમણે ભાજપા ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખોટા કેસ દાખલ કરીને રાજકીય આગેવાનોને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સ્થિતિ લોકશાહી માટે સારી નથી. દારૂનું કૌભાંડ નકલી છે. એક પણ પૈસાની લેવડદેવડ કરવામાં આવી નથી. તેમજ કોઈ પુરાવો નથી. થોડા દિવસોમાં દારૂનું કૌભાંડ બંધ થઈ જશે. જે બાદ નવુ કંઈક લઈને આવશે. તેમજ હેરાન-પરેશાન કરીને જબરદસ્તીથી નિવેદનો લેવામાં આવ્યા છે. આ લોકોના ઈરાદા ખરાબ હોય છે. દિલ્હીમાં ઘણું કામ થઈ રહ્યું છે. સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ અમારી વિરુદ્ધ તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કશું પ્રકાશમાં આવ્યું નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ન્યાયાધીશે EDને કોર્ટમાં પુરાવા વિશે પૂછ્યું હતું પરંતુ તેમની પાસે કશું જ નહોતું.