Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. સદીઓ પહેલાં પોતાના વતન-સૌરાષ્ટ્રથી હિજરત કરીને તામિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓના સમુદાયે પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રહિને સાંસ્કૃતિક ઐક્ય, રાષ્ટ્રિય એકાત્મતા અને ભાવાત્મક એકતાનું વિરલ દ્રષ્ટાંત પુરૂં પાડયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આ ઐતિહાસિક અને રાષ્ટ્રિય એકતાને પ્રેરક ઘટનાનું મહાત્મ્ય પૂનઃ ઊજાગર કરવા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમના સમગ્ર આયોજનનો વિચાર આપેલો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે સંકલનમાં રહિને વડાપ્રધાનની સંકલ્પનાને સાકાર કરવા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમને એક ભારત-શ્રેષ્ઠ ભારતના મહાસંગમ તરીકે ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની ઝિણવટપૂર્વક ચર્ચા-વિચારણા અને વધુ સુદ્રઢ કાર્યઆયોજન માટે મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ  રાજકુમારની ઉપસ્થિતિમાં આ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

આ સમગ્ર કાર્યઆયોજનમાં રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ નોડલ એજન્સી તરીકે તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને અન્ય વિભાગો સહઆયોજક તરીકે કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રવાસન સચિવ હારિત શુકલાએ પ્રેઝન્ટેશન દ્વારા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તદઅનુસાર, તા.17થી 30 એપ્રિલ દરમિયાન સોમનાથ તીર્થક્ષેત્રમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી તા.14 એપ્રિલથી વિશેષ ટ્રેન રવાના થવાની શરૂઆત થવાની છે. આ વિશેષ ટ્રેન મારફત અંદાજે 250 થી 300 વ્યક્તિઓની એક-એક બેચ ગુજરાત આવશે. સોમનાથ આવનારા આ સૌ યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન-પૂજન, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફાટ એક્સ્પો-શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના સમુદ્રકિનારે કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી મનોરંજક અને પારંપારિક રમતો પણ યોજાવાની છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ, ઉદ્યોગ, યુવાપ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા થીમ સેમિનાર યોજીને ગુજરાતની આ બધા જ ક્ષેત્રોની સર્વાંગી વિકાસ યાત્રાથી સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી પ્રવાસીઓને માહિતગાર કરવામાં આવશે. એટલું જ નહિ, યુવા ખેલાડીઓ, ઉદ્યોગ વેપાર જગત સાથે સંકળાયેલા વ્યવસાયિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વિષયો પર પરસ્પર ચર્ચાઓ અને વૈચારિક આદાન-પ્રદાન પણ કરાશે.  સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી થનારા લોકોને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધીશ મંદિર, નાગેશ્વર, શિવરાજપૂર બીચ ના પ્રવાસે પણ લઇ જવાનું આયોજન કરવામાં આવેલું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી જેનું નિર્માણ થયું છે તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે પણ આ પ્રવાસીઓને લઇ જવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌરાષ્ટ્ર તામિલ સંગમ એક ભારત-શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બની રહે તેવા વ્યાપક ફલકના કાર્યઆયોજન માટે બેઠકમાં માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ સાથે સંકળાયેલા વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.