CM ભૂપેન્દ્ર પટેલે ટોક્યોમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી ગુજરાતમાં મૂડી રોકાણ માટે આમંત્રણ આપ્યું
અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાવાનું છે જેની તૈયારીઓને તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ હાલ જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અનેક રાજકીય મહાનુભાવો અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબર સમિટમાં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોક્યો ખાતે જાપાનના ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતમાં મૂડી રોકાણ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. અનેક ઉદ્યોગકારે ધોલેરા એસઈઝેડ ખાતે રોકાણ કરવા માટે ઈચ્છા પણ વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોક્યો ખાતે જાપાની ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આજે તેમણે ઓત્સુકા ફાર્માસ્યુટિકલ્સ, ઓત્સુકા ઇન્ટરનેશનલ એશિયા આરબ ડિવિઝન, ન્યુટ્રાસ્યુટિકલ્સ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ ર્યોસ્કે ફુકાસે સાથે વન-ટુ-વન મિટિંગ યોજી હતી. મુખ્યમંત્રીએ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે ગુજરાતમાં રોકાણો માટે રહેલી અપાર સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ જાપાની ઉદ્યોગકારોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
જાપાર પ્રવાસ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટોક્યો ખાતે ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની (TEPCO) રિન્યુએબલ એન્ડ પાવરના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની (TEPCO) રિન્યુએબલ એન્ડ પાવરના પ્રેસિડેન્ટ માસાશી નાગાસાવા સાથે બેઠક યોજી ગુજરાતમાં પમ્પ્ડ-સ્ટોરેજ હાઇડ્રો ઇલેક્ટ્રીસીટી સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.