Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ડાંગના બીલીઆંબાથી ‘શાળા પ્રવેશોત્સવ-2024’ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  21માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અંતરિયાળ છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે. વિદ્યાર્થીઓના ટેલેન્ટને યોગ્ય તક અને નિખાર આપવાની વ્યવસ્થાઓ પણ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સરકાર કરે છે.

મુખ્યમંત્રી બીલીઆંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સંવાદ સાધ્યો હતો. એટલું જ નહીં, એક વિદ્યાર્થીનીની અભ્યાસપોથી-વર્કબુક તપાસીને સવાલ-જવાબ પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત ગ્રામજનોને કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવથી સરકાર ભૌતિક સુવિધા-સગવડો શાળાઓમાં વિકસાવે છે જ પરંતુ બાળકોના વાલી-SMC અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ-શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષકો બાળકોના અભ્યાસ, શાળામાં હાજરીની નિયમિતતા અંગે સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે ત્યારે SMC અને વાલીઓ પણ બાળકના અભ્યાસનું ફોલોઅપ, શાળામાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ વગેરે માટે સતર્ક રહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અને કારકિર્દી ઘડતર માટે અનેક કલ્યાણ યોજનાઓ પણ છે તેનો લાભ લઈને વનવાસી બાળકો ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે તેવી અપીલ તેમણે કરી હતી.

મુખ્યમંત્રીએ શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસરમાં ટપક સિંચાઈથી થયેલ વૃક્ષ ઉછેર સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બીલીઆંબા શાળા પરિસરમાં મુખ્યમંત્રીશ્રીએ લીમડાના વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધનનો મુક સંદેશ આપ્યો હતો.