Site icon Revoi.in

મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લિસ્ટિંગ કરાવ્યું

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર શ્રીમતી પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે.

અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે. અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ. 200 કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડીટ રેટીંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની 4 સેકન્ડમાં જ રૂ. 200 કરોડના બોન્ડ સાઈઝ સામે રૂ. 415 કરોડનું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે. બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા 30 ઈન્વેસ્ટર તરફથી રૂ. 1360 કરોડનું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ. 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.