મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પના હનુમાનજી મંદિરમાં આરતી કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદઃ શહેરમાં આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલના રોજ હનુમાનજી જ્યંતિ હોવાથી તમામ હનુમાનજીના મંદિરોમાં ભવ્ય ઊજવણીઓ કરવામાં આવશે. શહેરના સુપ્રસિદ્ધ ગણાતા કેમ્પના હનુમાનજી મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે કેમ્પના હનુમાનજીના મંદિર પહોંચીને આરતી કરીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે 6ઠ્ઠી એપ્રિલે હનુમાન જ્યંતી હોવાથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે, અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ એવા શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનજીના મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે બુધવારે કેમ્પ ના મંદિરેથી હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી,યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આરતી કરીને ઝંડી બતાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત હાજર રહ્યા હતા. અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે એક વખત કેમ્પ હનુમાનની શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે હવે ભૂપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત આજે શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. સવારે 8 વાગે મુખ્યમંત્રી મંદિર પહોંચ્યા હતા, જ્યાં હનુમાનજીની આરતી કરી હતી. ત્યારબાદ રથને ઝંડી આપી હતી.આ ઉપરાંત આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે શ્રીફળ વધેરીને રથ શરૂ કરાવ્યો હતો.
શહેરના શાહીબાગ કેમ્પના હનુમાનજીના મંદિરેથી સવારે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. રથયાત્રામાં 30 ટ્રક, 300 ટુ વ્હીલર, 50 ગાડી સહિતનો કાફલો જોડાયો હતો. રસ્તામાં રથયાત્રાના સ્વાગત માટે 40 જેટલા સ્વાગત કેન્દ્રો ઊભા કરાયા હતા. 20 કિમીની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિરે પહોંચી હતી. મંદિરથી સુભાષબ્રિજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્ષ,પાલડી, અંજલિ ચાર રસ્તા, ચંદ્રનગર થઈ વાસણા પહોંચી હતી ત્યારબાદ વિશ્રામ અને પ્રસાદ લીધા બાદ રથયાત્રા ધરણીધર, માણેક બાગ, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા, સરદાર પટેલનું બાવળું, ઉસ્માનપુરા,સુભાષબ્રિજ થઈ યાત્રા મંદિર પરત ફરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આવતી કાલે તા. 6 એપ્રિલે હનુમાન જ્યંતી નિમિતે કેમ્પના હનુમાનજીના મંદિરમાં સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થશે.6:30 વાગે આરતી થશે.7 થી 9 વાગ્યા સુધી સુંદરકાંડ ચાલશે.10 વાગે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.11 વાગે મારુતિ યજ્ઞ થશે.12:40 ધજા ચઢાવવામાં આવશે.12 વાગે મંદિરમાં 5000 લોકોનો ભંડારો થશે. રાતે 12 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.