Site icon Revoi.in

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને પ્રારંભ કરાવ્યો

Social Share

અમદાવાદઃ શહેરના જગન્નાથજી મંદિરથી આજે સવારે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં હતા. જે પહેલા સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. તેમજ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોના જય જગન્નાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

વહેલી સવારે મંદિરમાં ભગવાનની મંગળા આરતી યોજાઈ હતી. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. મંગળા આરતી બાદ ધાર્મિક વિધિ બાદ ભગવાનની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારના કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યાં હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સહિતના રાજકીય આગેવાનોએ પ્રભુની પુજા-અર્ચના કરીને દર્શન કર્યાં હતા. પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરી હતી. જે બાદ તેમણે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાની વર્ષો જૂની પરંપરા મુજબ પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા પ્રમાણે મુખ્યમંત્રીએ સોનાની સાવરણી વડે રથના પ્રસ્થાન પહેલા તેમનો માર્ગ સાફ કરવાની વિધિ કરી હતી. આ પછી મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે રથને ખેંચીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ રથયાત્રાનો શુભારંભ થયો હતો. રથયાત્રાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ, સ્કંધપુરાણ સહિતના પુરાણોમાં કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે.