મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધુંવાવ ગામના કાદવ-કીચડમાં ચાલીને લોકોના ખબર-અંતર પૂછ્યાં
જામનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વધુ વિકટ બની હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે જામનગરના જિલ્લા કલેક્ટર સાથે ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા કર્યા બાદ આજે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આજે પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલે કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના સોમવારે શપથ ગ્રહણ સમયે જ જામનગર શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાયેલી હતી. શપથ ગ્રહણ પહેલાં અને શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે વાતાવરણ ચોખ્ખું થતાં જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની સાથે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયાં હતાં. સોમવારે આવેલા પૂરને કારણે ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરને કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.
સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાને કારણે ઠેર ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.
જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે તારાજી થઇ છે. 4 વ્યકિતઓ પુરમાં તણાઇને મોતને ભેટયા છે તેમજ શહેરમાં 11 પશુના મૃત્યું થયા છે. જયારે જામનગર જિલ્લામાં 100થી વધુ પશુઓના મૃત્યું થયાનો અંદાજ છે. પાંચથી લઇને પચીસ ઇંચ સુધી વરસાદ પડતા બચાવ કાર્ય માટે ફાયરબિગ્રેડ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ.ની ટીમો ઉપરાંત નેવી, એરફોર્સની પણ મદદ લેવાઇ હતી. 24 વ્યકિતને હેલીકોપ્ટરથી બચાવાયા હતા. દોઢસોથી વધુ ગામોમાં વિજપુરવઠો ખોરવાયો હતો. તેમજ ગઇકાલે રાજકોટ, કાલાવડ તરફના ધોરીમાર્ગ પણ બંધ કરવા પડયા હતા.
પુરને લીધે થયેલી તારાજીનો તાગ મેળવવા માટે અને તંત્ર દ્વારા થતી કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે 2 વાગ્યે જામનગર આવી પહોંચ્યા હતા. ગાંધીનગરથી હવાઇ માર્ગે જામનગર આવી પહોંચ્યા ત્યારે તેમની સાથે રાજયના કૃષિ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા. આ ઉપરાંત રાજયના મુખ્ય સચિવ પંકજકુમાર પણ જામનગર આવ્યા હતા. રસ્તામાં જ તેઓએ જામનગર જિલ્લાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યુ હતું.