અમદાવાદ: પીમ નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ચિંતન શિબિરની શરૂઆત કરાવી હતી. તેમની આ સુશાસન માટેની પહેલને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો શુભારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા મહાનુભાવો જોડાશે.
આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના 20 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે, એ જ રીતે, ચિંતન શિબિરનું આયોજન એક યા બીજા સ્વરૂપમાં અન્ય સરકારોએ અપનાવ્યું છે. ઓકટોબર 2022 માં કેન્દ્ર સરકારે રાજ્યોના ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર યોજી હતી; તો હાલમાં જ 11 મે ના રોજ કેન્દ્રના સામાજિક અને અધિકારિતા મંત્રાલયે પોતાના અધિકારીઓ માટેની ચિંતન શિબિર યોજી હતી. વળી, 17 મે ના રોજ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે નવી દિલ્હી ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે.