ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મૂડી રોકાણો થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે, અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટમાં વધુ મુડી રોકાણો આવે તે માટે દુબઈ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેવાની છે. આ એક્સ્પોમાં વિજય રૂપાણી ભાગ લેવા જવાના હતા. પણ મુખ્યમંત્રી તરીકેની તેમની વિદાય બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈ જશે તેવું લાગતુ હતું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુબઈ ખાતે વર્લ્ડ એક્સ્પોમાં જવાનું માંડી વાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે સાત જેટલાં આઈએએસ અધિકારીઓ એક્સ્પોમાં ભાગ લેવા માટે જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દુબઈ ખાતે યાજાનારા એક્સ્પોમાં ભાગ લેવા માટે વિજય રૂપાણી જવાના હતા, પણ મુખ્યમંત્રી પદેથી એમની વિદાય પછી નવા મુખ્યમંત્રીએ હમણાં જ સુકાન સંભાળ્યું હોઈ વિદેશ પ્રવાસની એમની ઇચ્છા નથી. જો કે દુબઈ પ્રવાસ અંગે મુખ્યમંત્રીની નામરજી ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બની છે.દરમિયાન, રાજ્યના સાત આઇએએસ અધિકારીઓના દુબઈ પ્રવાસને કેન્દ્ર સરકારના નાણામંત્રાલયના આર્થિક બાબતોના પ્રભાગે મંજૂરી આપી દીધી છે, જે અંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને સત્તાવાર પત્ર દ્વારા જાણ કરાઈ છે. રાજ્યના ઉદ્યોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, ક્લાઇમેટ ચેન્જ વિભાગ સાથે ઉચ્ચ શિક્ષણ વિભાગ સંભાળતા અગ્ર સચિવ એસ.જે. હૈદર, ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, જીપીસીબીના ચેરમેન એવા જીએસપીસીના એમડી સંજીવકુમાર, ટૂરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુકલ, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તથા ઇન્ડેક્સ્ટબીના એમડી નીલમ રાનીના પ્રવાસને કેન્દ્રએ મંજૂરી આપી છે. રસપ્રદ એ છે કે દોઢ વર્ષના કોરોના કાળ બાદ પહેલા વિદેશપ્રવાસની છૂટ મળતાં અધિકારીઓ રાજી રાજી થઈ ગયાં છે.
દુબઈમાં વર્લ્ડ એક્સ્પો જ્યાં યોજાવાનો છે ત્યાં ઇન્ડિયા પેવેલિયનમાં ગુજરાત સરકારને 1લી થી 14 ઓક્ટોબરની તારીખો ફાળવાઈ છે અને આ દિવસો દરમિયાન વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે રાજ્ય સરકાર તરફથી ત્યાં એક્ઝિબિશન લાગવાનું છે, ઉપરાંત બિઝનેસ મિટિંગો સાથે સેમિનારનું પણ આયોજન થવાનું છે. આઇએએસ અધિકારીઓ એસ.જે.હૈદર, હારિત શુકલ, રાહુલ ગુપ્તા અને નીલમ રાની ત્યાં તૈયારી માટે આ માસાંતે નીકળવાના છે, જ્યારે બધાં જ અધિકારીઓ 7મી ઓક્ટોબર સુધીમાં પાછા ફરવાના છે. ટૂંકમાં જંગી ખર્ચ ધરાવતો આ ઇવેન્ટ હવે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કેવળ અધિકારીઓ દ્વારા પાર પડશે, જેમાં ઉદ્યોગપતિઓ પણ સામેલ થવાના છે. (file photo)