ગાંધીનગરઃ દૂબઈમાં ચાલી રહેલા એક્સ્પોમાં ગુજરાત સરકાર પણ ભાગીદાર બની છે. અને વિદેશી ઉદ્યોગકારોને ગુજરાતમાં વધુને વધુ રોકાણો કરવા માટે આમંત્રણ આપવા અને રોડ શો યોજવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલ 8મી ડિસેમ્બરથી 2 દિવસના દુબઈ પ્રવાસે જશે. મુખ્યમત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. દુબઈમાં યોજાનારા રોડ શો દરમિયાન ઉધોગ મંત્રી જગદીશ પંચાલ, મુખ્ય સચિવ પંકજ કુમાર, સહિત ડેલીગેશન મુખ્યમંત્રીની સાથે હાજર રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલ તા. 8 અને 9 ડિસેમ્બરે વિદેશના પ્રવાસે છે. 8મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન છે. આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે, ફ્રાન્સ, જાપાનમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ડિસેમ્બરે ડેગીલેશન પરત ફરશે. જો કે ઓમીક્રોન ગાઈડ લાઇન પ્રમાણે મુખ્યમંત્રી સહિત ડેલીગેશન ગુજરાત પરત ફરશે ત્યારે તેમના પણ RTPCR ટેસ્ટ કરાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ 2022 આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે. આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમિયાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે. તેને આ વાઇબ્રન્ટ સમિટની “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.