- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દૂબઈમાં રોડ શો
- રોડ શો ગુજરાતને લઈને થશે
- સવારે 8 વાગે દુબઈ જવા માટે રવાના થશે મુખ્યમંત્રી
અમદાવાદ :વાઈબ્રન્ટ ગુજરાતનું નામ હવે માત્ર દેશમાં રહ્યું હોય એવું નથી, પણ હવે તેની ચર્ચાઓ તો દેશ-વિદેશમાં પણ થવા લાગી છે. હાલમાં થોડા સમય પહેલા બનેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈમાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને રોડ શો કરવાના છે.
જાણકારી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રતિનિધિ મંડળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના રોડ-શો માટે યુએઈ દુબઈના બે દિવસીય પ્રવાસે આજે સવારે 8 કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતને ભારતનું બિઝનેસ હબ પણ કહેવામાં આવે છે. આવામાં આ દુબઇ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરવાના છે. તેમજ હાલ દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડીયા પેવેલિયનની મુલાકાત પણ લેવાના છે.
ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દુબઈમાં ઊર્જા, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજિસ્ટિક્સ, ફિનટેક (ફાયનાન્સિયલ ટેકનોલોજી) તથા સેવાઓના ક્ષેત્રોમાં ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની સંભાવનાઓ અંગે બિઝનેસ અગ્રણીઓ સાથે વાતચીત કરશે.દુબઈ રોડ-શોમાં મુખ્યમંત્રી સાથે જઇ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગો) ડૉ. રાજીવકુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહિ, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.