Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પૂત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક, એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવાયો

Social Share

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રવિવારે અમદાવાદની કે ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને ગઈકાલે રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમણે તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કે. ડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કર્યા બાદ આજે સોમવારે તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. તેમની હાલતમાં સુધારો ન થવાને કારણે મુંબઈમાં સારવાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

અમદાવાદની કેડી હોસ્પિટલમાં સર્જરી બાદ અનુજની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતુ. હેલ્થ બૂલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતાં બપોરે 2.45 વાગ્યે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સ્થિર છે અને તેઓ ડોકટરોની ટીમના નિરીક્ષણ હેઠળ છે. અનુજને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ થતાં  ભાજપના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. અનુજને ગઈકાલે રવિવારે બપોરના 2.30 વાગ્યાની આસપાસ જમ્યા પછી બ્રેઈન સ્ટ્રોક આવ્યો, ત્યારબાદ અનુજને સીએમના કાફલા વિના જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે સાત વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા 60 મિનિટનો નમોસ્તુતે નવાનગર નામનો શો રજૂ થવાનો છે, પરંતુ દીકરાની મેડિકલ ઈમરજન્સીના કારણે સીએમ પટેલ આ કાર્યક્રમ ભાગ નહીં લઈ શકે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમના બધા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.