Site icon Revoi.in

ગુજરાતમાં 2022ના અંત સુધીમાં મહાનગરોને વિશ્વકક્ષાના સ્માર્ટસિટી બનાવવા મુખ્યમંત્રીનું આહવાન

Social Share

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના મેયરો, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી  2022ના અંત સુધીમાં મહાનગરોમાં 100 ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે દિશામાં મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલી વિવિધ કામગીરી, બેસ્ટ પ્રેકટીસીસનું આદાન-પ્રદાન તેમજ કોમન પોઇન્ટ પર ચર્ચા-વિચારણા કરીને રાજ્યના મહાનગરોને વધુ પ્રાણવાન બનાવવાનું સામૂહિક મંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નગરો-મહાનગરો સહિત જિલ્લાઓમાં આગામી તા.17મી સપ્ટેમ્બરે ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાજ્યભરમાં  400થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણ લોકહિત કામોથી ઉજવણી કરાશે તેની પણ વિસ્તૃત વિગતો આ તકે આપી હતી. મુખ્યમંત્રીએ આ ઉજવણીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યના મહાનગરોમાં સ્લમ વિસ્તારોમાં 3 હજારથી વધુ વસ્તીએ પોતાના ઘરઆંગણે સ્લમ એરિયા નજીક જ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે દીનદયાળ ઔષધાલય તા.17મી સપ્ટેમ્બર શરૂ કરાશે.દરરોજ સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી આ ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશની માતા-બહેનોને પરંપરાગત ચૂલા-સગડીમાંથી નિકળતા ધૂમાડામાંથી મૂક્તિ અપાવવા અને રસોઇઘરમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત 2016માં  કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસે તેમની આ ફલેગશીપ સ્કિમ ઉજ્જવલા યોજના-2.0 અંતર્ગત રાજ્યમાં 3 લાખથી વધુ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અને સિલિન્ડર આપવામાં આવશે. તેમજ વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યના એવા 7100 ગામો જ્યાં 100  ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે તે ગામોના સરપંચોનું પ્રમાણપત્રથી સન્માન કરાશે.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન અન્વયે શૌચાલયોના શોષ ખાડાનું રિપેરીંગ, સામૂદાયિક-જાહેર શૌચાલયોના શોષ ખાડાની મરામત, નવા શૌચાલયોનું નિમાર્ણ અને જરૂરિયાત જણાય ત્યાં શૌચાલય પૂન: નિર્માણ, મરામતના કામો પણ પ્રધાનમંત્રીના જન્મદિવસે હાથ ધરવામાં આવશે.