Site icon Revoi.in

સરદાર સરોવર ડેમ છલકાતા મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા

Social Share

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમ છલકાતા આજે નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેવડીયા કોલોની ખાતે પહોંચીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી છે અને સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમ છલકાયો છે.

મધ્યપ્રદેશમાં વરસાદ અને ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરા સાગરમાંથી સમયાંતરે પાણી છોડવામાં આવતા ચોમાસા દરમિયાન નર્મદા ડેમના દરવાજા 33 વખત અલગ અલગ સમયે ખોલવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 77.39 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. છેલ્લા આઠ વર્ષમાં છઠ્ઠી વખત નર્મદાબંધ છલકાયો છે અને તેના કારણે રાજયના પાંચ કરોડ લોકોને રોજ બે વખત પાણી પુરૂ પાડી શકાશે. જયારે 16.99 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી મળશે. બંધમાં હાલ 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ છે. વર્ષ 2017માં પ્રથમ વખત નર્મદાબંધ ઓવરફલો થયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરના વધામણા કર્યા હતા ત્યારબાદ 2019ના વડાપ્રધાનના જન્મદિને ફરી નર્મદાબંધ ઓવરફલો થતા પીએમ મોદી કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને નર્મદા નીરને કંકુ, ચોખા છાંટીને વધાવી લીધા હતા. ત્યારબાદ 2020, 2022, 2023માં પણ નર્મદાબંધ ઓવરફલો થયો હતો જયારે 2018 અને 2021માં અપુરતા વરસાદના કારણે નર્મદાબંધ છલકાયો ન હતો. ગઇકાલથી જ પાણીની આવક હતી પરંતુ ડેમની સપાટી 138.61 મીટર સ્થિર રાખીને વધારાનું પાણી છોડવામાં આવ્યું હતું અને આજે તે 138.68 મીટર પહોંચતા જ તેના વધામણા કરાયા હતા. મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના નીરને ચુંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરાયા હતા.

ખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.