કેન્દ્ર સરકાર દ્વારા અલાયદું સહકારી મંત્રાલય બનાવવાના નિર્ણયને CM રૂપાણીએ આપ્યો આવકાર
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટના વિસ્તરણ પહેલાં એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મંત્રાલયને લઈને ટ્વિટ કરી હતી. રૂપાણીએ ટ્વિટમાં લખ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા નવું સહકારી મંત્રાલય બનાવવાનો નિર્ણય સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની દીશામાં મહત્વપૂર્વ પગલું છે. ગુજરાત સહકારી આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સહકારી મંત્રાલય અલગ બનાવવાના નિર્ણયથી દેશમાં સહકારી ક્ષેત્ર મજબૂત બનશે. સરકાર આ મંત્રાલયથી સહકારી સમિતિઓને જમીની સ્તર સુધી પહોંચાડવાનું કામ કરશે. અલગ સહકારિત મંત્રાલયનું ગઠન કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પૂર્ણ થાય તે અંગે પણ ધ્યાન આપશે. મંત્રાલય સહકારી સમિતિઓ માટે ‘વેપાર સુગમતા’ એટલે કે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રક્રિયાઓને વધુ આસાન બનાવશે. સાથે જ મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્ઝ (MSCS)ના વિકાસને વધુ સારું બનાવવા માટે કામ કરશે.
કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત ડેવલપમેન્ટલ પાર્ટનરશિપમાં વધુ પ્રતિબદ્ધતાના સંકેત આપ્યા છે. સહકારિતા માટે અલગ મંત્રાલયનું ગઠન પણ નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પણ પૂર્ણ કરશે. સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી પોતાની કેબિનેટ માટે 25થી વધુ દલિત, આદિવાસી, OBC વર્ગના અને પછાત ક્ષેત્રોના ગ્રાઉન્ડ લેવલના નેતાઓની પસંદગી કરી છે. ઘણાં સંશોધન અને વિચાર કર્યા બાદ નવા મંત્રીઓના નામ નક્કી કરાયા છે. મોદી સરકાર માટે આ વિસ્તરણ હાલના સંજોગોમાં ઘણું જ જરૂરી છે. સંસદનું મોનસૂન સત્ર 19 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે નવા મંત્રીઓને પોતાના મંત્રાલયોમાં યોગ્ય પરિચય મળી રહે તે માટેનો સમય આપવો પણ જરૂરી છે.