સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અંતરિયાળ ગામોની મુખ્યપ્રધાને મુલાકાત લઈને સ્થિતિનો ક્યાસ મેળવ્યો
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ આજે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.
રૂપાણી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી . અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યમંત્રીએ વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરી છે. 16 અને 17મી મે એ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આજ સાંજ સુધીમાં વીજ પુરવઠો હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા, મોબાઇલ ટાવર અને રસ્તાઓ જે પણ સેવાઓ અને ગતિવિધિઓ બંધ છે તમામ સેવાઓ પૂર્વવત થઇ જશે, તેવો રૂપાણીએ દાવો કર્યો હતો.
વાવાઝોડામાં મૃત્યુ પામનાર નાગરિકોના પરિવાર માટે કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી છે. મૃતકોના પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ બાદ હવે ગુજરાત સરકાર તરફથી પણ ચાર લાખની સહાય મળશે એટલે કે રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે. આ ઉપરાંત વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર પણ 50 હજારની સહાય કરશે. કેન્દ્ર સરકાર તરફથી 50 હજાર અને રાજ્ય સરકાર તરફથી 50 હજાર એમ વાવાઝોડાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને કુલ 1 લાખની સહાય મળશે. તેમણે એમ પણ કહ્યું કે, આ તાઉ-તે વાવાઝોડાનો આપણે મક્કમતાથી મુકાબલો કર્યો છે. આ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓ તથા મંત્રીઓનો અથાગ પરિશ્રમ અને આગવી સૂઝ પણ પૂરક નીવડ્યા છે તે માટે પણ ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે.