દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એક સગીર બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટકોર કરી હતી. બાળકીના નામની પાછળ માતાને બદલે પોતાની અટક દાખલ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની દાદ માંગતી પિતાએ અરજી કરી હતી. હાઈકોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને અરજીનો નિકાલ કર્યો હતો.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ એવો નિર્દેશ કરવાનો ઈન્કાર કરીને કહ્યું કે, પિતા પાસે દીકરીના સ્વામિત્વ નથી કે તેની જ અટકનો ઉપયોગ કરી શકે, સગીર દીકરી માતાની અટકથી ખુશ છે તો તેમાં આપને શું સમસ્યા છે. અદાલતે કહ્યું કે, દરેક બાળકને માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકારી છે. જો બાળક ઈચ્છે તો માતાની અટકનો ઉપયોગ કરી શકે છે.
અરજીની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, તેમની દીકરી સગીર છે અને આ અંગે તે પોતે નિર્ણય ના લઈ શકે. દીકરીની અટક અલગ રહેતી માતાએ બદલી છે. વકીલે દાવો કર્યો હતો કે, વીમાનો લાભ ઉઠાવવામાં ઉશ્કેલી ઉભી થવાની શકયતા છે. પોલીસીમાં દીકરીના નામની પાછળ પિતાની અટક છે. કોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને અરજદાર પિતાને પોતાની દીકરીની સ્કૂલમાં પોતાનું દર્શાવવાની સ્વતંત્રતા આપીને અરજીનો નિકાલ કર્યો હતો.