ગાંધીનગરઃ જિલ્લાના ચંન્દ્રાલા ગામની જ્યોતિવિદ્યા મંદિર પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતુ. તેને મહિનાઓ બાદ પણ શાળાના મકાનનું પુનઃ નિર્માણ કરવામાં ન આવતા હાલ બાળકોને પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઠંડીની સીઝનમાં બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે સત્તાધિશોને ગ્રામજનોએ અવાર-નવાર રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ ભારે સૂત્રોચારો કરી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગાંધીનગરના ચંન્દ્રાલા ગામની પ્રાથમિક શાળાની નર્કાગાર જેવી સ્થિતિ છે. કોરોના કાળ પછી તોડી પાડવામાં આવેલી જર્જરીત શાળાના બિલ્ડીંગનું હજી પણ નિર્માણ કરવામાં નહીં આવતાં વિધાર્થીઓને શેડ નીચે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. શાળાની આસપાસના વિસ્તારમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ખુલ્લા શેડ નીચે બેસીને ભણતા વિધાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી ઉપર વાંદરાએ પણ હૂમલો કર્યો હતો. ચંન્દ્રાલા ગામની આદર્શ પ્રાથમિક શાળા છેલ્લા કેટલાક વર્ષોથી ખંડેર હાલતમાં હોવા છતાં શિક્ષણ તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે. જેને લઇને ગ્રામજનોએ શાળામાં શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.
ચંદ્રાલા ગામના લોકોના કહેવા મુજબ કોરોનાકાળ પહેલા જર્જરિત બનેલી શાળાના તમામ રૂમ તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થી શેડની નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. વરસાદ કે ભયંકર ગરમી હોય તો પણ વિદ્યાર્થીઓ શેડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. શાળાની દિવાલ પાસે ગટર છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય વ્યાપી ગયો છે. શાળાના નળમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ચંન્દ્રાલા ગામની આદર્શ પ્રાથમિક શાળા હજુ સ્વચ્છતા અભિયાનથી વંચિત છે. આ અંગે આદર્શ પ્રાથમિક શાળા-1 ના મુખ્ય શિક્ષક રાજેન્દ્ર પટેલે કહ્યું હતું કે અમે વારંવાર સરકારને રજુઆત કરી છે અને ટૂંક સમયમાં અમારી શાળાનું નિર્માણ કરી શરૂ કરી દેવાશે.