ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમથી 33 ટકા શાળાઓમાં એકપણનો પ્રવેશ નહીં
રાજકોટ: ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. 6 વર્ષથી ઓછી વયના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આથી આ વર્ષે ધારણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 33 ટકા સરકારી શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ થયો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના તમામ શાળાઓમાં ધો.1માં બાળકના પ્રવેશ માટે 6 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ તેવો નિયમ અમલમાં મુકયા બાદ તેની અસર દેખાવા લાગી છે. આ વર્ષે માતા-પિતાએ તેના બાળકને રંગેચંગે સારી શાળામાં ધો.1 માટે તૈયારી કરવાની હતી. પરંતુ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો નથી. આથી આવા બાળકોને બાળવાટિકામાં પ્રવેશ લેવો પડ્યો છે. શહેરી વિસ્તારમાં પણ બાળકોને સિનિયર કેજી બાદ સીધા ધો.1 માં પ્રવેશ ન મળતા ‘બાલ વાટીકા’માં પ્રવેશ લેવાની ફરજ પડી છે. કારણ કે ઘણાબધા બાળકોને હજું 6 વર્ષ પુરા થયા ન હતા તેથી નવા નિયમ મુજબ ધોરણ-1માં પ્રવેશ મેળવી શક્યા ન હતા. તેના કારણે રાજયની 33 ટકા શાળાઓમાં આ વર્ષે ધો.1નો એકપણ વિદ્યાર્થી દાખલ થયો નહી. અમદાવાદ શહેરમાં સરકારી ગણાતી 232 શાળાઓમાંથી મોટાભાગમાં ધો.1ના વિદ્યાર્થીનું એડમીશન થયું ન હતું અને રાજય સ્તરે 12336 શાળામાં આ સ્થિતિનો સામનો કરવો પડયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ માટેની નીતિ 2020થી લાગુ કરવાની હતી પણ કોવિડના કારણે વિલંબમાં મુકવી પડી હતી. જો કે અગાઉ જે બાળકો કેજી અને સિનિયર કેજીથી સીધા ધો.1માં દાખલ થતા હતા તેઓને અભ્યાસમાં કોઈ ગેપ પડે નહી તે માટે ‘બાલવાટીકા’ઓનો પ્રારંભ કરાયો છે. અને તેથી ધો.1માં જે બાળકોને દાખલ થવાનુ હતું તેવા 7.50 લાખ વિદ્યાર્થીઓ બાલવાટીકામાં દાખલ થયા હતા. ફકત સરકારી જ નહી ખાનગી શાળાઓની પણ આવી જ હાલત છે. બાળકો માટે પ્રિ-કલાસ વન એટલે કે ધો.1 પૂર્વ એક વર્ગ ઉભો કરી દીધો છે. અને આવા પ્રિ- વર્ગોમાં પાંચ વર્ષ કે તેથી વધુ વયના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સામાન્ય રીતે ધો.1માં દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ એડમીશન લેતા હતા તો આ વર્ષે ફકત 3.18 લાખ જ બાળકોને ધો.1માં પ્રવેશ અપાયો છે. બાકીના 7.45 લાખ બાળકોએ ‘બાલવાટીકા’માં પ્રવેશ મેળવ્યો છે.