ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે, હાલમાં ધોરણ 1માં પ્રવેશ માટે 5 વર્ષ પૂરાં થયાં હોવા જોઈએ તેવી પ્રવેશની કટ ઓફ હતી, જ્યારે નવી શિક્ષણ નીતિમાં 6 વર્ષ પૂરાં થયા હોવાં જોઈએ તેવી કટઓફ નીતિ હોવાથી જૂન-2023થી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને 1લાં ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. જેની સામે વાલીઓમાં વિરોધ ઊભો થયો છે. આથી સરકારે એવો નિર્ણય લીધો છે. કે, 6 વર્ષ પુરા ન કર્યા હોય તેવા બાળકોને એક વર્ષનો ગેપ પૂરો કરવા બાલવાટિકામાં પ્રવેશ અપાશે. નવી શિક્ષણ નીતિ અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ વચ્ચેના ગેપ પૂરો થઈ જાય પછી બાળવાટિકા બંધ કરી દેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાં 2023ના નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે. જેમાં કોલેજોમાં સ્નાતકનો અભ્યાસક્રમ ચાર વર્ષનો અને અનુસ્નાતકનો અભ્યાસક્રમ એક વર્ષનો કરાશે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટે જે બાળકોએ 6 વર્ષની ઉંમર પૂર્ણ કરી હશે તેને જ પ્રવેશ અપાશે. ઘણાબધા બાળકો એવા છે. કે, જેમને નવા શેક્ષણિક વર્ષના પ્રવેશ સમયે બે-ચાર મહિના 6 વર્ષની ઉંમર પૂર્ણ થવામાં ઘટતા હોય પણ આવા બાળકોને પણ પહેલા ધોરણમાં પ્રવેશ નહીં મળે, આ સંજોગોમાં પ્રવેશના મુદ્દે મડાગાંઠ થઈ છે. નવી શિક્ષણ નીતિમાં સાતમા વર્ષે ધો. 1માં પ્રવેશ અને હાલની શિક્ષણ પદ્ધતિમાં ધો. 1માં 6ઠ્ઠા વર્ષે પ્રવેશ છે એટલે કે નવી શિક્ષણ નીતિમાં 31 મે એ છ વર્ષ પૂરાં થવાં જરૂરી છે. તેવી પ્રવેશની મર્યાદા છે. અત્યારે જે વિદ્યાર્થીઓ જુનિયર કેજી, સિનિયર કેજીમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને એક વર્ષનો ગેપ ધો. 1માં પ્રવેશ માટે પડે છે, કારણ કે તેઓ 5 વર્ષ પૂરાં કરે છે અને ધોરણ 1માં પ્રવેશ માટે લાયક ઠરે છે. નવી શિક્ષણ નીતિમાં 6 વર્ષ પૂરાં કર્યાં પછી ધો. 1 વર્ષ હોવાથી એક વર્ષનો ગેપ પૂરો કરવા માટે સરકાર બાળવાટિકામાં એક વર્ષ કરાવવું તેવું નક્કી કરી રહી છે. આથી રાજ્યમાં ધો. 1 પહેલાં બાળવાટિકાઓ શરૂ થશે અને તેનો અભ્યાસક્રમ બની રહ્યો છે.