Site icon Revoi.in

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પદવીદાન 21મી એપ્રિલે યોજાશે, આઠ વિદ્યાર્થીઓને ગાલ્ડ મેડલ અપાશે

Social Share

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં આવેલી  ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી 21મી ઍપ્રિલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હૉલમાં યોજાશે. આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા 101 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે, જ્યારે આઠ છાત્રોને ગોલ્ડ મેડલ અપાશે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 21 મી એપ્રિલે યોજાનારા પદવીદાન સમારંભ માટે ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવોને આમંત્રણ અપાયા છે. આ અંગે યુનિ.ના કુલપતિ હર્ષદ શાહે જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગર્ભસંસ્કારના માધ્યમ દ્વારા તેજસ્વી બાળકના જન્મથી તેજસ્વી ભારતના નિર્માણના ઉદ્દેશ્ય સાથે આ યુનિવર્સિટી કાર્ય કરી રહી છે.  ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશ્વનો સૌથી મોટા ઑનલાઈન સમર કેમ્પ કલામૃતમ્-2022 યોજવા જઈ રહી છે, જે આગામી 11થી 15 મે દરમિયાન યોજાશે. જેમાં 10 લાખ બાળકોને જોડવાનું આયોજન છે. આ સમર કેમ્પમાં નાના બાળકથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં રૂપિયા 2 લાખ સુધીનાં ઇનામો આપવામાં આવશે. આ સમર કેમ્પમાં ગીત-સંગીત, ચિત્રકળા, વેસ્ટમાંથી બેસ્ટ, પપેટ તેમજ જાદુના ખેલ ઑનલાઈન શીખવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં વસતાં તેજસ્વી બાળકોને શોધીને તેના હીરને વધુ નિખારવાના હેતુથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ‘ભારત જ્ઞાન પરીક્ષા’ યોજાઈ હતી. આ પરીક્ષામાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.શનિવારે 9મી એપ્રિલથી તેના માટે રજિસ્ટ્રેશન શરૂ થશે, જે એક મહિના સુધી ચાલશે. કુલપતિ હર્ષદ શાહે આગળ જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, ભાષા-સાહિત્ય, વર્તમાન પ્રવાહો, રમત-જગત, નાગરિકશાસ્ત્ર અને બંધારણ સહિતના વિષયોનો આ પરીક્ષામાં સમાવેશ કરાયો હતો.. આ પરીક્ષાનો હેતુ તેજસ્વી છાત્રોને શોધીને તેમની ક્ષમતાઓને વધુ વિકસાવવાનો છે.