નવી દિલ્હી: ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરી એકવાર હિમાકત કરી છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાની તાજેતરની કોશિશો વચ્ચે ડ્રેગને ભારતીય રાજ્યના વિભિન્ન સ્થાનોના 30 નવા નામોની યાદી જાહેર કરી છે. આ નામોની વધુ વિગતો જો કે હજી સામે આવી નથી. પરંતુ આ નામોને ચીની અક્ષરોમાં લખવામાં આવ્યા છે. આ નામ પહાડો, નદીઓ અને અન્ય સ્થાનોના રાખવામાં આવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત કરીને સેના ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના પછી ચીનને ચચરાટ થયો છે. તે અરુણાચલ પ્રદેશ પર સતત નિવેદનબાજી કરી રહ્યું છે. જો કે તેનો જડબાતોડ જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. તેના પહેલા પણ ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના સ્થાનોના નામ બદલવાની કાયવતને ભારતે નામંજૂર કરી છે. ભારતનું કહેવું છે કે આ રાજ્ય દેશનું અભિન્ન અંગ છે અને કાલ્પનિક નામ રાખવાથી તેની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન થયું નથી.
ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે રવિવારે કહ્યું છે કે ચીની નાગરિક મામલાના મંત્રાલયે જંગનાનમાં નક્શા આધારીત ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી છે. ચીન અરુણાચલ પ્રદેશને જંગનાન કહે છે અને દક્ષિણ તિબેટના હિસ્સા તરીકે આ રાજ્ય પર દાવો કરે છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર ક્ષેત્ર માટે 30 વધુ નામ પોસ્ટ કરવામાં આવ્યા છે.
જો કે આ નામોની વધારે જાણકારી સામે આવી નથી, પરંતુ એટલું ઉજાગર થયું છે કે આ નામ અરુણાચલ પ્રદેશના 11 આવાસીય વિસ્તારો, 12 પહાડ, 4 નદીઓ, એક સરોવર અને એક પાસ તથા એક ખાલી જમીનના છે.