મુંબઈઃ મોબાઈલ એપ મારફતે કોરોનાકાળમાં આર્થિક સંકળામણમાં ફલાયેલા લોકોને લોન આપવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં ચીનની સંડોવણી બહાલ આવી છે. સરળતાથી લોન આપવાની લોભામણી લાલચ આપતી આવી કેટલીક મોબાઈલ એપનું સર્વર ચીન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ કરતી તેલંગાણા પોલીસે લોન કૌભાંડ સાથે સંકળાયેલી લગભગ 158 જેટલી એપ્લિકેશન બ્લોક કરવા ગુગલને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરળતાથી લોન આપવાની લાલચ આપીને કેટલાક મોબાઈલ એપ્લિકેશન ગ્રાહકોને લોન આપતી હતી. સરકારના નિયમ કરતા વધારે વ્યાજ મેળવતી આ એપ્લિકેશન ગ્રાહકોને ધમકી આપીને તેમની પાસેથી નાણા પડાવતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. જ્યારે કેટલાક મોબાઇલ યુઝર્સે એવી ફરિયાદ કરી હતી કે તેમણે તાત્કાલીક લોન માટેની એપ્લિકેશનની મદદ લીધી હતી, જોકે એવામાં તેમના મોબાઇલના અનેક ડેટાની ચોરી થઇ ગઇ છે. આરોપીઓએ બાદમાં ગ્રાહકોને અનેક પ્રકારની ધાકધમકીઓ અને રેપની ધમકીઓ પણ આપી હતી. આવા હૈદરાબાદમાં 60થી વધારે બનાવો સામે આવ્યાં હતા. જેને ગંભીરતાથી લઈને તેલંગાણા પોલીસ અને સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
સીઆઇડીએ બેંગલોરમાં ચાર કંપની ઉપર દરોડા પાડીને બે લોકોની ધરપકડ કરી હતી. તેલંગાણા પોલીસે ગુગલને રજુઆત કરી છે કે તાત્કાલીક લોન કૌભાંડ સાથે સંકળાયેલી આશરે 158 જેટલી એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવે. આ એપ્સનું કનેકશન ચીન સાથે હોવાનું તપાસમાં ખૂલ્યું છે. બેંગાલુરૂના સીઆઇડી સાયબર ક્રાઇમના એસપી એમડી શારથે જણાવ્યું હતું કે, જે કંપનીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે ચીન સાથે સંકળાયેલી છે, જેમાં હેક્ડ્ મોબાઇલ ડેટાનો પણ સમાવેશ થાય છે.