દિલ્હીઃ પીપલ લિબરેશન આર્મી (પીએલએ) ભારત વિરુદ્ધ પોતાની ક્ષમતામાં વધારો કરવા અક્સાઇ ચીન અને કારાકોરમ ઘાટમાં મહત્ત્વની સડક અને માળખાકીય સુવિધાને વિકસાવી રહ્યું છે. સેટેલાઇટની મદદથી પ્રાપ્ત તસવીરો તેમ જ 3,488 કિ.મી. લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર કોમ્યુનિકેશન ઇન્ટરસેપ્ટની મદદથી ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીને કારાકોરમ ઘાટ સુધી પહોંચતી 8થી 10 મીટર પહોળી વૈકલ્પિક રસ્તાનું નિમાર્ણ કરી લીધું છે. આ રસ્તા મારફતે ગેટવે દોલત બેગ ઓલ્ડી સેક્ટર સુધી પહોંચવવા સમયમાં બે કલાક ઘટી જશે. અક્સઇ ચીન વિસ્તારમાં તમામ કાચા રસ્તાને પાકા કરીને મોટા વાહનો પસાર થઈ શકે તે માટે પહોંળા કરવામાં આવી છે.
સરહદથી દૂરના વિસ્તારોમાં પણ માળખાકીય સુવિધાઓ ઝડપથી તૈયાર થઈ રહી છે. ગોલમુંડમાં પેટ્રોલિયમ અને તેલ સંગ્રહ માટે ભૂગર્ભ સુવિધા ઊભી થઈ રહી છે. આ ડેપો એલએસીથી 1,000 કિ.મી.ના અંતરે છે. પરંતુ તિબેટ રેલવેની મદદથી લ્હાસા સાથે સંકળાયેલું સ્થાન છે. તેને કારણે ભારત- તિબેટ સરહદે પીએલએની તૈનાતી ક્ષમતા વધશે. સિક્કિમ સરહદે પણ માળખાકીય સુવિધાઓ ઊભી થઈ રહી છે. ચીન અરુણાચલ નજીક પાંગ ટા એરબેઝ ખાતે બે ભૂગર્ભ સુવિધા વિકસાવી રહ્યું છે. પહાડોમાં વિમાન મૂકવા સુરંગો પણ તૈયાર થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ ઉદેકવા માટે બંને દેશ દ્વારા વ્યૂહાત્મક રીતે બેઠકો કરવામાં આવી રહી છે.