ચીને ભર્યું ખતરનાક પગલું: દક્ષિણ ચીન સાગરને પરમાણુબોમ્બથી સજ્જ મિસાઈલ છોડવાનો બેઝ બનાવ્યો
બેઈજિંગઃ તાઈવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નજર રાખનાર ચીન, દક્ષિણ ચીન સાગરમાં સબમરીનથી લોંચ કરવામાં આવતી ન્યુક્લિયર વોરહેડ મિસાઈલોનો બેઝ બનાવવા જઈ રહ્યું છે. ચીનના આ પગલાથી PLA નેવીની નવી મિસાઈલ JL-3 સરળતાથી અમેરિકા ખંડને પોતાના નિશાન પર લઇ શકે છે.ચીનનું આ પગલું એવા સમયે લેવાયું છે, જ્યારે લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર તેનો કબજો થઇ ચૂક્યો છે. ચીને આ દરિયાઈ વિસ્તાર અને સીમામાં કેટલાક નવા કૃત્રિમ આઇલેન્ડસ પણ બનાવ્યા છે. જેની સામે અમેરિકાના નેતૃત્વમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો ચીન પર આ દરિયાઈ વિસ્તારના કબજાને પડકારી રહ્યા છે.
યુએસ પેસિફિક મહાસાગર ફ્લીટના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પાપારોએ આ વાતની 18 નવેમ્બરે પુષ્ટિ કરી છે કે, ચીને તેની 6 પ્રકારની 094 સબમરીન પર તેની JL-3 મિસાઈલ ગોઠવી છે. આ JL-3 મિસાઈલ 10 હજાર કિમીની રેન્જ ધરાવે છે. જેનાથી ચીનની અમેરિકાના નજીકના દરિયાઈ વિસ્તારોમાં સરળતાથી હુમલો કરી શકવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ સબમરીન માત્ર અમેરિકાને ધમકી આપવા માટે જ બનાવવામાં આવી છે અને તેથી જ યુએસ નેવી પણ તેના પર ચાંપતી નજર રાખી રહી છે.
- બોહાઈ સમુદ્રમાંથી અમેરિકાના અલાસ્કા પ્રાંત પર હુમલો કરવાની શક્તિ
એક વર્ષ પહેલા યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને પણ આ બાબતે જણાવ્યું હતું કે, પીએલએ નેવી ટૂંક સમયમાં ચીનના તટીય વિસ્તારમાંથી યુએસના નજીકના કિનારાઓને નિશાન બનાવી શકે છે. જો કે એડમિરલ પાપારોએ એ નથી જણાવ્યું કે ચીનની ટાઈપ 094 સબમરીન યુએસના હવાઈ ટાપુઓની નજીક પેટ્રોલિંગ પણ કરી રહી છે. આ હવાઈ ટાપુઓ પર અમેરિકાનું વિશાલ સૈન્યમથક આવેલું છે. જેના થાકી અમેરિકા પણ સમગ્ર પેસિફિક વિસ્તારોમાં ગમે ત્યાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકી સ્ટ્રેટેજિક કમાન્ડના કમાન્ડર એડમિરલ ચાર્લ્સ રિચર્ડે ગયા મહિને અમેરિકી સેનેટની એક સમિતિને એ પણ જણાવ્યું હતું કે આ મિસાઈલની મદદથી ચીન પોતાના સુરક્ષિત દરિયાઈ વિસ્તાર દક્ષિણ ચીન સમુદ્રના બેઝથી અમેરિકા પર હુમલો કરી શકે છે. જો અમેરિકાનો અંદાજ સાચો હોય તો જેએલ-3 મિસાઈલ તેની પુરોગામી મિસાઈલ જેએલ-2 કરતાં વધુ શક્તિશાળી છે. JL-2ની સ્ટ્રાઈક રેન્જ 7,200 કિમી છે. જયારે JL-3 મિસાઈલ 10 હજાર કિમીની રેન્જ ધરાવે છે. અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, ચીનની ટાઈપ 094 સબમરીન બોહાઈ સમુદ્રમાંથી અમેરિકાના અલાસ્કા પર હુમલો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. બીજી તરફ ચીને પણ સ્વીકાર્યું તો છે જ કે તેણે JL-3 મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, પરંતુ તેનું લક્ષ્ય હાલમાં કોઈપણ દેશ નથી.
(ફોટો: ફાઈલ)