Site icon Revoi.in

ડિફેન્સ બજેટમાં 7.5 ટકા વધારીને ચીને કહ્યું, કોઈપણ દેશ અમારો ટાર્ગેટ નથી!

Social Share

ચીને 2019 માટે પોતાના સંરક્ષણ બજેટમાં 7.5 ટકાનો વધારો કર્યો છે. ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રમાં રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ રિપોર્ટમાં આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. એનપીસીનો પ્રારંભ મંગળવારે થયો છે.

2019 માટે ચીને 1.19 લાખ કરોડ યુઆન એટલે કે 177.61 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ રજૂ કર્યું છે. જો કે ચીનની સરકારે કહ્યું છે કે આ વખતના સંરક્ષણ બજેટમાં વધારો ઓછો કરવામાં આવ્યો છે. ચીનની સરકારના જણાવ્યા પ્રમાણે, 2018ના વર્ષના ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

ચીનની સરકારી સમાચાર સંસ્થા શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, ચીનનું ડિફેન્સ બજેટ વ્યાજબી અને પુરતું ગણાવતા 13મી એનપીસીના પ્રવક્તા ઝાંગ યેસુઈએ કહ્યુ છે કે આ બઢતનો ઉદેશ્ય ચીનની વિશેષતાઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય સુધારાની દેશની માગણીને પૂર્ણ કરવાની છે.

પ્રવક્તાનું એમ પણ કહેવું હતું કે આ સંરક્ષણ ખર્ચ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે છે. આ સંરક્ષણ ખર્ચ કોઈ અન્ય દેશ પર ખતરો પેદા કરવા માટે નથી. યેસુઈએ કહ્યુ છે કે ચીન શાંતિપૂર્ણ વિકાસના માર્ગે કાયમ રહેશે અને આવી સંરક્ષણ નીતિ અપનાવશે કે જે સંરક્ષણાત્મક પ્રકૃતિની હશે.

તેમણે કહ્યુ છે કે કોઈ દેશ કોઈ અન્ય માટે સૈન્ય ખતરો છે અથવા નહીં, તે તેના સંરક્ષણ બજેટમાં વધારાથી નક્કી થતું નથી. પરંતુ તેના દ્વારા અપનાવવામાં આવતી રાજદ્વારી અને રાષ્ટ્રીય સંરક્ષણ નીતિથી નક્કી થાય છે.

લગભગ પાંચ વર્ષ સુધી સંરક્ષણ બજેટમાં બે અંકોની બઢત બાદ ચીન 2016થી પોતાના રાષ્ટ્રીય સંરક્ષણ બજેટમાં એક અંકનો વધારો કરી રહ્યું છે. 2016માં તેના ડિફેન્સ બજેટમાં 7.6 ટકાનો વધારો થયો હતો. બાદમાં 2017માં સાત ટકા અને 2018માં 8.1 ટકાનો વધારો થયો હતો.

ઝાંગનો દાવો છે કે ઘણાં મોટા દેશ પોતાની જીડીપીના બે ટકા સુધીનો સંરક્ષણ ખર્ચ કરે છે. જ્યારે ચીને 2018માં પોતાના જીડીપીના માત્ર 1.3 ટકા જ સંરક્ષણ ખર્ચ કર્યો હતો.

2018માં ચીનનું સંરક્ષણ બજેટ લગભગ 175 અબજ ડોલર હતું. જે ભારતના સંરક્ષણ બજેટના લગભગ ત્રણ ગણું હતું. બીજી તરફ અમેરિકન કોંગ્રેસે 2019ના નાણાંકીય વર્ષ માટે 717 અબજ ડોલરના ભારે-ભરખમ સંરક્ષણ બજેટને મંજૂરી આપી હતી.

ગત વર્ષે ભારતનું ડિફેન્સ બજેટ 2.98 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે આ વર્ષે તેમા 6.87 ટકાનો વધારો થયો છે અને સંરક્ષણ બજેટને 3.18 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. ચીને તાજેતરના વર્ષોમાં પોતાની સેનામાં ઘણાં મોટા પરિવર્તન કર્યા છે. જેમાં નેવી અને એરફોર્સનું વિસ્તરણ પણ સામેલ છે. બીજી તરફ ભૂમિસેના એટલે કે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની સંખ્યામાં લગભગ ત્રણ લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા છતાં ચીનની ભૂમિસેના દુનિયાની સૌથી મોટી સેના છે અને તેની પાસે લગભગ 20 લાખ સૈનિક છે.