દિલ્હીઃ સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. એટલું જ નહીં એલએસી પર બંને દેશ દ્વારા સેના દ્વારા જવાનોને ખડકી દેવામાં આવ્યાં છે. દરમિયાન ચીન દ્વારા પોતાના અંગત વિશ્વાસુ એવા પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં હિંસક પ્રવૃતિને વેગ આપવા માટે જરૂરી આદેશ કર્યાં હોવાનું પણ જાણવા મળે છે.
સીમા વિવાદ વચ્ચે ચીન દ્વારા પાકિસ્તાનની જાસુસી સંસ્થાને આદેશ કર્યો છે કે, જમ્મુ-કાશ્મીરમાં જંગી પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો ઠાલવી દેવામાં આવે જેથી કરીને નકારાત્મક અને હિંસક પ્રવૃત્તિને વેગ આપી શકાય. ચીનની નાપાક ચાલની માહિતી ભારતીય ગુપ્તચર તંત્રને મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. તેમજ આ અંગે કેન્દ્ર સરકારને અને ગૃહ મંત્રાલયને માહિતગાર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ઊભી કરી દેવામાં આવી છે અને ઘુસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે એ જ રીતે યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં પાકિસ્તાન દ્વારા રેકોર્ડ કરી નાખવામાં આવ્યો છે. હવે ચીન દ્વારા પાકિસ્તાન તરફથી સહાયતા મળે અને લદાખમાં ચીનની નકારાત્મક પ્રવૃત્તિને ટેકો મળે તે માટે ISIનો સહારો લઇ રહ્યું છે અને ભારતવિરોધી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે ચીન દ્વારા ISIને દરેક પ્રકારની સહાયતા પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.