નવી દિલ્હીઃ ભારતમાં લઘુમતી સમુદાય સાથે કોઈ પણ અણબનાવ બને ત્યારે પાકિસ્તાન અને તૂર્કી સહિતના ઈસ્લામિક દેશો કાગારોડ મચાવવાનું શરૂ કરી દે છે. પરંતુ ચીનમાં લઘુમતી એટલે કે મુસ્લિમો ઉપર ખુલ્લેઆમ અત્યાચાર થાય છે પરંતુ કોઈ પણ ઈસ્લામિક દેશ બોલવાની હિંમત કરતું નથી. વર્ષોથી ચીનમાં ઉઈગર મુસ્લિમો ઉપર અત્યાચાર ગુજાવવામાં આવે છે. હવે ચીનમાં વહીવટી તંત્ર દ્વારા એક ઐતિહાસિક મસ્જિદને ધ્વસં કરવાની કવાયત શરૂ કરી છે. જેની સાથે સ્થાનિક મુસ્લિમો વિરોધ કરી રહ્યાં છે પરંતુ ચીને કોઈની પણ ચિંતા કર્યાં વગર મસ્જિદને ધરાશાયી કરવાનું નક્કી કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. જેથી સ્થાનિકોને આડકતરી રીતે ધમકી આપી રહ્યું છે. જેથી હવે પોતાને ઈસ્લામના અનુયાયી માનતા પાકિસ્તાન અને તૂર્કી સહિતના મુસ્લિમ શાસિત રાજ્યોના શાસકો શું કાર્યવાહી કરશે તેની ઉપર દુનિયાભરની નજર મંડાયેલી છે.
ચીનના એક ભાગમાં તણાવ વધી રહ્યો છે કારણ કે, મુસ્લિમ સમુદાય અને પોલીસ એક મસ્જિદ તોડી પાડવાના મુદ્દે સામસામે છે. યુનાન પ્રાંતના નાગુ શહેરમાં એક મસ્જિદને આંશિક રીતે તોડી પાડવાની યોજનાને લઈને હિંસા અને અથડામણો ફાટી નીકળ્યા બાદ ચીને સેંકડો પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. મોટી સંખ્યામાં મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી છે. ચીનમાં મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારનો જૂનો રેકોર્ડ છે, જેનું ઉદાહરણ દેશના ઉઇગર મુસ્લિમો છે.
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે ચીની સત્તાવાળાઓ યુનાન પ્રાંતના નાગુ શહેરમાં ચાન મિનારા અને નજિયાઇંગ મસ્જિદના ગુંબજની છતને તોડી પાડવાની તેમની યોજના સાથે આગળ વધ્યા છે. આ વિસ્તાર અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાય ‘હુઈ‘ ના મોટા ભાગનું ઘર છે જેઓ હવે પોલીસની કાર્યવાહીના કારણે દબાણ હેઠળ છે. પોલીસ અધિકારીઓએ લાઠીઓ સાથે મસ્જિદની બહાર ભીડને વિખેરી નાખી હતી. અથડામણના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.
એક સ્થાનિક મહિલાએ કહ્યું કે તેઓ બળજબરીથી ડિમોલિશન કરવા માંગતા હતા, તેથી અહીંના લોકો તેમને રોકવા ગયા હતા. મહિલાએ કહ્યું, ‘જો તેઓ તેને નીચે લાવવાની કોશિશ કરશે તો અમે ચોક્કસપણે તેમને આમ કરવા દઈશું નહીં.‘ બે સાક્ષીઓએ જણાવ્યું હતું કે, પોલીસે આ ઘટના અંગે અજ્ઞાત સંખ્યામાં ધરપકડ કરી હતી અને કેટલાક અધિકારીઓ શહેરમાં હતા. આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે.
તેમણે કહ્યું કે, અથડામણ પછી, મસ્જિદની આસપાસના વિસ્તારોમાં લોકો ઇન્ટરનેટની સમસ્યા અને અન્ય કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. સ્થાનિક સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “સામાજિક વ્યવસ્થાપન અને વ્યવસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્તા” એક કેસની તપાસ કરવામાં આવી રહી છે. નોટિસમાં “લોકોને ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્યો તાત્કાલિક બંધ કરવા” આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 6 જૂન પહેલા આત્મસમર્પણ કરનારાઓ સાથે નરમાશ રાખાશે.