ચીન-પાકિસ્તાનમાં માનવાધિકાર હનનનો મામલો UNમાં ગુંજ્યો, આયોજનબદ્ધ રીતે અત્યાચારનો આરોપ
નવી દિલ્હીઃ શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમો પર ચીન દ્વારા કરવામાં આવી રહેલી ક્રૂરતા અને પીઓકે તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા નાગરિક સંસાધનોના દુરુપયોગનો મુદ્દો ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા સામાન્ય સત્રની 38મી બેઠકમાં, માનવાધિકાર કાર્યકર્તા શુનીચી ફુજીકી દ્વારા ઉઇગરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને UKPNPના માહિતી સચિવ સાજિદ હુસૈન દ્વારા PoKનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
શુનિચી ફુજીકીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને જણાવ્યું કે, ચીન હજુ પણ સમગ્ર પ્રાંતમાં ઉઇગરો ઉપર અત્યાચાર કરી રહ્યું છે. તેમને શિક્ષણ, સંસ્કૃતિ અને રોજગાર સહિતના ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ફુજીકીએ શિનજિયાંગમાં ઉઇગુર વિરુદ્ધ વ્યવસ્થિત માનવાધિકારોના ઉલ્લંઘન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચીન દ્વારા પ્રદેશમાં પ્રવેશનો ઇનકાર, પ્રણાલીગત ભેદભાવ, મોટા પાયે મનસ્વી અટકાયત અને ફરજિયાત મજૂરીના અહેવાલોની સ્વતંત્ર ચકાસણીમાં અવરોધનો આરોપ મૂક્યો હતો. શુનિચી ફુજીકીએ યુએનએચઆરસીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.
- પીઓકેમાં પણ સંયુક્ત રાષ્ટ્રનો હસ્તક્ષેપ જરૂરી
માનવતાવાદી-સામાજિક અધિકાર કાર્યકર્તા અને યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના યુરોપ ઝોનમાં માહિતી સચિવ સાજિદ હુસૈનએ યુએનએચઆરસીના 55મા સત્રની 38મી બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારો અને ગિલગિટ બાલ્ટિસ્તાન (GB) ના લોકો પાકિસ્તાની વહીવટ હેઠળ પીડાઈ રહ્યા છે. હુસૈન પીઓકે અને જીબીમાં માનવ અધિકારોની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્રની તાત્કાલિક હસ્તક્ષેપ માંગ કરી હતી.