ભારતીય યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ચીનનું કાવતરુઃ દર વર્ષે કરોડોની સિગારેટની કરાય છે, તસ્કરી
દિલ્હીઃ ભારતમાં તમાકુની સામે કોટપા નામના કાયદાનો અમલ કરવામાં આવી રહી છે. તેમ છતા ગેરકાયદે રીતે સિગારેટની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. ચીન અને ઈન્ડોનેશિયાથી મોટી માત્રામાં સિગારેટ તસ્કરી મારફતે ભારતમાં લાવવામાં આવે છે. મોટાભાગે સિગારેટ પૂર્વોત્તરના રાજ્યોની સીમાઓ મારફતે ભારતમાં ઘુસાડવામાં આવતી હોવાનું કહેવાય છે..જેથી સરકારને દર વર્ષે 15-20 હજાર કરોડનું નુકશાન થાય છે.
દરમિયાન સરકારી આંકડા અનુસાર ફેબ્રુઆરી 2021 સુધીમાં દેશમાં 1772 કરોડની ગેરકાયદે સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 2020માં 180 કરોડની ગેરકાયદે સિગારેટ જપ્ત કરાઈ હતી. એટલે કે સિગારેટ તસ્કરીમાં દસ ગણો વધારો થયો છે. કસ્ટમ વિભાગ અને રેવેન્યુ ઈન્ટેલીજેન્સ વિભાગ ગેરકાયદે સિગરેટના વ્યવસાયની સામે કામગીરી કરી રહી છે. દરમિયાન પૂર્વોત્તરની સીમાઓ ઉપર સુરક્ષા દળો દ્વારા મોટી માત્રામાં ગેરકાયદે સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવે છે.
ટોબેકો ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર દેશના બજારમાં 25 ટકા ગેરકાયદે સિગારેટનું વેચાણ થાય છે. પ્રતિવર્ષ લગભગ 28 અરબ સિગારેટ ગેરકાયદે રીતે ભારતના બજારમાં ઠાલવવામાં આવે છે. જેનાથી સરકારને લગભગ 15થી 20 હજાર કરોડનું દર વર્ષે નુકશાન થાય છે. ભારત ગેરકાયદે સિગારેટના વેચાણનું ચોથા નંબરનું સૌથી મોટુ બજાર છે. 10 વર્ષના સમયગાળામાં ગેરકાયદે સિગરેટનું વેચાણ બમણું થયું છે. દસ વર્ષ પહેલા જ કોટપા કાનૂનનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
વોલેન્ટરી હેલ્થ એસોસિએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ગેરકાયદે સિગરેટ જે દેશમાં બને છે ત્યાં પણ ટેક્સ ચોરી કરવામાં આવે છે, તેમજ તેને ગેરકાયદે રીતે દેશમાં લાવવામાં આવે છે. જેથી લોકોને આ સિગરેટ ઓછી કિંમતમાં મળી રહે છે. દેશમાં બનેલી સિગરેટનું પેકેટ 200માં મળે છે જેમાં 10 જ સિગરેટ હોય છે. જ્યારે આ બોક્સ માત્ર રૂ. 150 વેચાય છે અને તેમાં 20 સિગરેટ હોય છે. જેથી લોકો આવી સિગરેટ ખરીદતા હોય છે. જો કે, ગેરકાયદે સિગરેટની તસ્કરી માત્ર ટેક્સ ચોરીનો જ કેસ નથી પરંતુ તેની ઉપર તમાકુ વિરોધી કોટપા કાયદાના ઉલ્લંઘનનો પણ કેસ બને છે. આ સિગરેટ ઉપર કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવતી નથી.