Site icon Revoi.in

બૌદ્ધ ધર્મનો નાશ કરવાના ચીનના અનેક પ્રયાસોઃ ધર્મગુરુ દલાઈ લામા

Social Share

નવી દિલ્હીઃ ધર્મ ગુરુ દલાઈ લામાએ ચીન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચીન બૌદ્ધ ધર્મને ઝેર માને છે અને તેને નષ્ટ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પદ્માસંભવની પ્રતિમા વિશે વાત કરતા દલાઈ લામાએ કહ્યું કે, માર્ચમાં ચીનની સામ્યવાદી સરકારે તેને નષ્ટ કરી દીધી હતી. ડિસેમ્બર 2021 પછી આ ત્રીજી ઘટના હતી. બોધગયામાં આયોજિત ત્રિ-દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે તેમણે કહ્યું કે, ચીનમાં બૌદ્ધ મઠોને બૌદ્ધોનો નાશ કરવા માટે જ નાશ કરવામાં આવ્યો હતો.

દલાઈ લામાએ કહ્યું, ચીનની સરકાર ભલે ધર્મને નષ્ટ કરવાના લાખો પ્રયાસ કરે, પરંતુ તે સફળ નહીં થાય. તેમણે કહ્યું કે દેશમાંથી બૌદ્ધ ધર્મને બહાર કરવા માટે સમગ્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મંગોલિયા અને ચીનના ટ્રાન્સ હિમાલયન વિસ્તારોમાં ધર્મમાં માનનારા ઘણા લોકો પણ છે. ચીનની સરકાર ધર્મને ઝેર તરીકે જુએ છે અને તેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ કરી શકતી નથી.

તેમણે કહ્યું કે ચીને બૌદ્ધ ધર્મને ઘણું નુકસાન પહોંચાડ્યું છે પરંતુ તેને નષ્ટ કરવાનો તેનો ઈરાદો ક્યારેય પૂરો નહીં થાય. તેમણે ઘણા બૌદ્ધ મઠોનો નાશ કર્યો છે. પરંતુ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ઘટ્યા નથી. હજુ પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ અને મઠો છે.

ડિસેમ્બરની શરૂઆતમાં જ દલાઈ લામાએ કાલચક્ર મેદાનમાં પૂજા કરી હતી. તેમણે વિશ્વને કોરોના વાયરસથી મુક્ત કરવા પ્રાર્થના કરી હતી. બોધગયાના ધાર્મિક મહત્વ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “જો તમે અહીં આવો અને ભગવાન બુદ્ધને ધ્યાનમાં રાખીને ફૂલ ચઢાવો છો, તો તે તેમને સીધા પ્રાપ્ત થાય છે.” આ કાર્યક્રમ દરમિયાન દલાઈ લામાએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં 30 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 20 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા.