Site icon Revoi.in

ભારત વિરુદ્ધ ચીનનું ષડયંત્ર, સરહદ પર 624 ગામો વસાવ્યાં

Social Share

નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે લાંબા સમયથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યાં છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ચીને ભારત સાથેની વિવાદિત સરહદ પર ગામડાઓ સ્થાપ્યા છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (CSIS)ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીન હિમાલયમાં ભારત સાથેની તેની વિવાદિત સરહદ પરના સેંકડો ગામોને વસાવી રહ્યું છે. અહેવાલમાં સેટેલાઇટ ફોટા ટાંકવામાં આવ્યા હતા. જેમાં 2022 થી 2024 સુધીની તસવીરોની સરખામણી કરવામાં આવી હતી. ચીને છેલ્લા 4 વર્ષમાં 624 ગામડાં બનાવ્યાં છે.

CSISના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2018 થી 2022 ની વચ્ચે ચીને 624 ગામડાઓ બનાવ્યા છે અને તેનું કામ ચાલુ છે. આ ગામો અરુણાચલ પ્રદેશની નજીક 4 અલગ-અલગ સ્થળોએ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અરુણાચલ ભારતનો એક ભાગ છે, જ્યારે ચીન તેને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. જાણકારોનું કહેવું છે કે જે ગામડાઓ સ્થાપિત થયા છે ત્યાં ગુપ્ત રીતે સૈનિકોને તૈનાત કરી શકાય છે.

ડિસેમ્બર 2020માં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી. 1962માં બંને દેશો વચ્ચે સરહદ પર યુદ્ધ થયું હતું. છેલ્લા 3 વર્ષમાં અથડામણ પણ જોવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સરહદ વિવાદનો કોઈ સ્પષ્ટ ઉકેલ નથી. ગત વર્ષે યારાવ નજીક એક નવો રોડ અને બે હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. ચીન 3900 મીટરની ઉંચાઈ પર આવેલા યારાવ ખાતે નવી ઈમારતોનું નિર્માણ કરવામાં પણ સફળ રહ્યું છે. ચીન તિબેટીયન અને હાનની વસ્તી પ્રત્યે પણ અલગ વલણ બતાવી રહ્યું છે.