Site icon Revoi.in

ચીનના વિદેશમંત્રી વાંગ યીએ તેમના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરી

Social Share

દિલ્હી: ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. લેટેસ્ટ મામલો દક્ષિણ ચીન સાગરનો છે. અહીં ચીની ફાઈટર જેટ અમેરિકન બોમ્બરની એટલી નજીક આવી ગયું કે અમેરિકન પ્લેન અથડાતા-અથડાતાં ટળ્યું. અમેરિકન સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં તેઓ અમેરિકી સમકક્ષ એન્ટોની બ્લિંકન અને ઉચ્ચ અધિકારીઓને મળ્યા.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે બપોરે તેમના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિન્કેનને મળ્યા હતા. ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત ઘણા મહત્વપૂર્ણ અમેરિકન નેતાઓ અને અધિકારીઓને મળે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આ મુલાકાત બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શિખર મંત્રણાનો આધાર બનીને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોને સ્થિર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

વાંગ યી અમેરિકા પહોંચ્યા પછી તરત જ બ્લિંકનને મળ્યા. બંધ બારણાની બેઠક પહેલાં તેમણે કહ્યું હતું કે ચીન સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે અને “સંબંધોને શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ, સ્થિર અને ટકાઉ વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે સહકાર મેળવવાનો પ્રયાસ કરશે.” અમેરિકી અધિકારીઓએ બેઠક પહેલા કહ્યું કે તેઓ વાંગ યી પર ભાર મૂકશે કે જો ચીન એક મુખ્ય જવાબદાર આંતરરાષ્ટ્રીય ખેલાડી બનવા માંગે છે તો તેણે વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા વધારવી જોઈએ.

યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને સમર્થન આપવા અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે મૌન જાળવવા બદલ અમેરિકા ચીનથી નિરાશ છે. આ સિવાય વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે માનવ અધિકાર, જળવાયુ પરિવર્તન, તાઈવાન, દક્ષિણ ચીન સાગર અને ઉત્તર કોરિયા જેવા મુદ્દાઓ પર પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે ઈરાન પર ચીનનો નોંધપાત્ર પ્રભાવ છે. ઈરાન હમાસનો મોટો સમર્થક છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વાંગ યી અને બ્લિંકન વચ્ચેની બેઠક બાદ જણાવ્યું હતું કે બંને નેતાઓએ ‘મતભેદના ક્ષેત્રો’ અને ‘સહકારના ક્ષેત્રો’ વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે બ્લિંકને ‘પુનરોચ્ચાર કર્યો કે યુનાઇટેડ સ્ટેટ્સ તેના હિતો અને મૂલ્યો અને તેના સહયોગીઓના હિતો માટે ઊભું રહેશે.’ વાંગ શુક્રવારે એટલે કે આજે ફરીથી બ્લિંકનને મળે તેવી અપેક્ષા છે.