Site icon Revoi.in

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ચાઈના લસણની વેપારીઓ દ્વારા ખરીદી કરાશે નહીં,

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ગણાતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશની જણસીની ખરીદી તેમજ વેચાણ થાય છે. ત્યારે વેપારીઓ અને કમિશન એજન્ટોએ અફઘાન-ચાઈનાના લસણની આવક સ્વીકારવાનું બંધ કર્યું છે, વેપારીઓ હવે ચાઈનિઝ કે અફઘાની લસણની ખરીદી નહીં કરે તેવો સર્વાનુમત્તે વેપારીઓએ નિર્ણય લીધો છે. માર્કેટ યાર્ડમાં હાલ શાકભાજી અને ટમેટાંની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે. હાલ ટમેટાંનો ભાવ રૂ. 30થી 50 સુધી પહોંચ્યો છે.

સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, અફઘાનથી લસણ આવે છે તે ચાઈનાથી આવે છે. એક પખવાડિયા પહેલા જામનગર યાર્ડમાં પણ ચાયના લસણ વેચાવા માટે આવ્યું હતું. ત્યાંના વેપારીઓને આવુ લસણ ખરીદવાની ઘસીને ના પાડી દીધી હતી. ત્યારબાદ ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ચાઈના લસણ વેચવા માટે આવ્યું હતુ. હવે  રાજકોટના બેડી યાર્ડમાં પણ ચાઈના લસણ વેચાવા માટે આવતા વેપારીઓએ વિરોધ કર્યો છે. સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની આવક પૂરતા પ્રમાણમાં છે. ચાઈનાથી મોકલાયેલું લસણ અફઘાન થઇને અહીં આવતું હોવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. ત્યાંનું લસણ ખરીદવા કોઈ તૈયાર થતું નથી. આથી આ આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 10 દિવસ પૂર્વે ત્યાંથી લસણ આવ્યું હતું. ખેડુતોના નામે આવુ લસણ માર્કેટ યાર્ડમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે.

રાજકોટના બેડી યાર્ડમાં ધીમે ધીમે નવી મગફળીની આવક વધી રહી છે. આવક વધતા પિલાણ પણ વધી રહ્યું છે. જેને કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે સિંગતેલના ભાવમાં રૂ.15નો ઘટાડો થયો હતો. જ્યારે કપાસિયા તેલમાં રૂ.10 ઘટ્યા હતા. જોકે જૂન-જુલાઈ માસમાં સિંગતેલના ભાવ રેકોર્ડબ્રેક નોંધાયા હતા. જેની સરખામણીએ તેલના ભાવમાં માત્ર રૂ. 15નો જ ઘટાડો આવ્યો છે. હાલ તહેવારને કારણે તેલની ડિમાન્ડ વધી છે.