ચીની હેકર્સે લદ્દાખ નજીકના પાવર ગ્રીડને બનાવ્યું નિશાન, વીજપુરવઠો ખોરવાનો પ્રયાસ
નવી દિલ્હીઃ ચીની હેકર્સ અવાર-નવાર ભારતની સરકારી વેબસાઈડ સહિતની અનેક સાઈટોને નિશાન બનાવે છે. દરમિયાન ચીનના હેકર્સોએ તાજેતરમાં જ લદ્દાધ નજીક પાવર ગ્રીડને નિશાન બનાવ્યું હતું. તેમનો હેતુ મહત્વની માહિતી ચોરી કરવાનો હતો. તેમજ લદ્દાખમાં ખોરવવાનો ઈદારો હોવાનું પણ મનાવામાં આવી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્થિત પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ ફર્મ રેકોર્ડેડ ફ્યુચરે એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. કંપનીએ કહ્યું કે તેણે ભારત સરકારને આ માહિતી આપ્યા બાદ જ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હેકર્સે તાજેતરના મહિનાઓમાં ઓછામાં ઓછા 7 ભારતીય સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર્સ (SLDC) ને નિશાન બનાવ્યા છે. આ કેન્દ્રો લદ્દાખમાં ભારત-ચીન સરહદ નજીકના વિસ્તારોમાં ગ્રીડ નિયંત્રણ અને રીઅલ-ટાઇમ પાવર વિતરણ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેકર્સે નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હેકર્સે છેલ્લા 18 મહિનામાં રાજ્ય અને પ્રાદેશિક લોડ ડિસ્પેચ સેન્ટરોને સતત નિશાન બનાવ્યા છે. પહેલા RedEcho નામના ગ્રુપે હેક કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ TAG-38 ગ્રુપ સામે આવ્યું છે.
રેકોર્ડેડ ફ્યુચરે 12 ઓક્ટોબર 2020ના રોજ મુંબઈમાં 12 કલાકના બ્લેકઆઉટ પાછળ ચીની હેકરોનો હાથ જાહેર કર્યો હતો. અત્યાર સુધી ચીનના હેકર્સે ભારતમાં વીજળી પુરવઠાને વધુ નિશાન બનાવ્યું છે. તેમનો હેતુ દેશની આંતરિક વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો છે. તે જ દિવસે તેલંગાણામાં 40 સબ સ્ટેશનોને પણ આ હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) તરફથી એલર્ટ મળ્યા બાદ આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.