દિલ્હીઃ વિસ્તારવાદી ચીન પોતાના દેશમાં બનેલી વસ્તુઓ દુનિયાના માર્કેટમાં પહોંચાડીને મહાસત્તા બનવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ચીનના જાસુસો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં એક્ટીવ હોવાનું સામે આવ્યું છે. ચીનની સત્તાધારી ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના 20 લાખથી વધારે જાસુસ ફેલાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સભ્યો દુનિયાની વિવિધ કંપનીમાં કામ કરે છે અને કંપનીની માહિતીઓ પોતાના દેશને પુરી પાડતા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ઑસ્ટ્રેલિયાના એક જાણીતા અખબાર પાસે સીપીપીના સભ્યોના ઈ-મેઈલ, પાર્ટીમાં હોદ્દો, જન્મતારીખ, આઈકાર્ડ સહિતની વિગતો આવી છે. તેના પરથી ખબર પડી કે જગતની અગ્રણી બેન્કો, ફોક્સવેગન , પેપ્સી, આઈબીએમ, બોઈંગ જેવી કંપનીઓ, રસી ઉત્પાદક એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર સહિતની અનેક મોટી સંસ્થા-કંપનીઓમાં સીસીપીના સભ્યો ગોઠવાયેલા છે. આ સભ્યો જ્યાં કામ કરતા હોય ત્યાંની માહિતી ચીનમાં પોતાની પાર્ટીને પુરી પાડતા હોય એવી પુરી શક્યતાઓ વ્યક્ત થઈ છે. સીસીપીના સભ્યોની પાર્ટી સિવાય કોઈને વફાદાર નહીં હોવાનું મનાય છે.
રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર માત્ર પશ્ચિમની કંપનીઓ માટે સીસીપીની 79000 શાખાઓ તૈયાર કરાઈ છે. એમા કામ કરનારા માણસો સીસીપીના ટોચના હોદ્દેદારો અને જરૂર પડયે જિનપિંગ સામે માહિતી આપવા હાજર થતા હોય છે. ચીની કંપનીઓ જગતની તમામ મહત્ત્વની ચીજોની નકલ બનાવી શકે છે, તેનું એક કારણ આ નેટવર્ક પણ હોઈ શકે છે. દુનિયાભાર ફેલાયેલા ચીની માણસો માર્કેટની ડિમાન્ડ, મોનોપોલી, વગેરેની માહિતી ચીન સુધી પહોંચાડતા હોઈ શકે છે. આમ ચીને જગતવ્યાપી હ્યુમન ઈન્ટેલિજન્સનું નેટવર્ક ફેલાવી રાખ્યુ છે.