Site icon Revoi.in

ચિન્મયાનંદજીની જન્મ જ્યંતી આજથી 8મીમે સુધી ઊજવાશે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં સ્વામી ચિન્મનાનંદની જન્મ જ્યંતીની આજથી એટલે કે 1લીમેથી 8મી મે સુધી પરમધામ મંદિર ખાતે ઊજવણી કરાશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ 5થી 10 વર્ષનાં બાળકો માટે “હ્યુમન ટુ હનુમાન” નામનો સમર કેમ્પ, 3જી મેના રોજ ટેઈક અ જાયન્ટ લીપ નામનો વર્કશોપ, 4થી મેના રોજ ચિન્મયાનંદજીના જીવન પર બનેલી ફિલ્મ “ઓન અ ક્વેસ્ટ” હિંદીમાં રજૂ કરવામાં આવશે. તેમજ 8મી મેના રોજ 108મી ચિન્મય જયંતીએ સવારે 6.45 વાગ્યાથી ગુરુદેવ અષ્ટોત્તર હવન કરવામાં આવશે.

વિશ્વભરમાં વેદ-ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રચાર-પ્રસાર સાથે દેશ અને સમાજ નિર્માણમાં જીવન સમર્પિત કરનાર સ્વામી ચિન્મયાનંદજીની 108મી જન્મજયંતી મેના પ્રથમ સપ્તાહમાં ઉત્સાહભેર ઊજવવામાં આવશે. જે અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા પરમધામ મંદિર ખાતે 1લી મેથી 8મી મે સુધી વિવિધ કાર્યક્રમો સાથે “ચિન્મય ઉત્સવ” યોજાશે. જેમાં તા. 1લી અને 2જીના મે દિવસે 5થી 10 વર્ષનાં બાળકો માટે “હ્યુમન ટુ હનુમાન” એવો ખાસ સમર કેમ્પ યોજાશે. જેમાં વાર્તા, ક્રાફ્ટ, એક્શન ગીત, ટ્રેઝર હન્ટ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવાશે. જે બાળકોમાં આત્મવિશ્વાસ, કાર્યક્ષમતા અને સંકલ્પશક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે. 3જી મેના રોજ 11થી 16 વર્ષનાં કિશોર-કિશોરીઓ માટે “ટેઇક અ જાયન્ટ લીપ” વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ અને સોશિયલ સ્કિલ્સ ખીલે તેવી રોલ પ્લે, ગ્રુપ ડિસ્કશન, આઇસબ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ બધા કેમ્પનો સમય સાંજે 5.30 થી રાત્રિના 9.30 સુધીનો રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત 4 મેના દિવસે સ્વામી ચિન્મયાનંદજીના જીવન પર બનેલી ફિલ્મ “ઓન અ ક્વેસ્ટ” હિંદીમાં રજૂ કરવામાં આવશે. તે સાથે જ 1થી 7મે સવારે 7.00થી 8.00 વાગ્યા સુધી “સુબોધ વેદાંત” પર ખાસ જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો છે. જેનાં વક્તા બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્ય અમદાવાદ કેન્દ્રનાં આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. તેમજ 8મી મેના રોજ 108મી ચિન્મય જયંતીએ સવારે 6.45 વાગ્યાથી ગુરુદેવ અષ્ટોત્તર હવન કરવામાં આવશે. જેમાં સ્વામી ચિન્મયાનંદજીનાં 108 નામનો જપ કરીને સાથે હવનમાં આહુતિ આપવામાં આવશે. સાંજે 6.45થી 8.30 વાગ્યા સુધી સમષ્ટિ પાદુકા પૂજા સાથે ચિન્મય ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.