અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (ઓસેટ) સુવિધા અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા સામેલ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો ઐતિહાસિક પ્રસંગ ભારત માટે ઉજ્જવળ ભવિષ્યની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણ કે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ તથા આસામમાં મોરેગાંવમાં આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ મુખ્ય સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ માટે શિલારોપણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આજની પરિયોજનાઓ ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.” તેમણે નાગરિકોને મુખ્ય પહેલો માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તાઇવાનના સેમિકન્ડક્ટર ઉદ્યોગના ખેલાડીઓની વર્ચ્યુઅલ હાજરીની નોંધ લીધી હતી અને આજના પ્રસંગ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, 60,000થી વધારે કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આ વિશિષ્ટ કાર્યક્રમ સાથે જોડાયેલી છે. પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમને દેશનાં યુવાનોનાં સ્વપ્નોની ઘટના ગણાવી હતી, કારણ કે તેઓ જ ભારતનાં ભવિષ્યનાં ખરાં ભાગીદાર છે. યુવાનો જોઈ રહ્યા છે કે ભારત કેવી રીતે આત્મનિર્ભરતા અને વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મજબૂત હાજરી માટે બહુઆયામી રીતે કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “આત્મવિશ્વાસથી ભરપૂર યુવા રાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખે છે.”
21મી સદીમાં ટેકનોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક ચિપ્સની કેન્દ્રીયતાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મેડ ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયા ચિપ્સ ભારતને સ્વનિર્ભરતા અને આધુનિકીકરણ તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ કારણોસર પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી ગયા પણ હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાનાં ઇરાદા સાથે આગેકૂચ કરી રહ્યું છે. દરેક સેકન્ડનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમને સરકાર જે ઝડપથી કામ કરી રહી છે તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી હરણફાળની વાત સમજાવતા પ્રધાનમંત્રીએ બે વર્ષ અગાઉ સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત વિશે વાત કરી હતી અને થોડા જ મહિનાઓ પહેલા એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા અને હવે ત્રણ પ્રોજેક્ટ માટે શિલારોપણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઈન્ડિયા કમિટ્સ, ઈન્ડિયા ડિલીવર્સ એન્ડ ડેમોક્રેસી ડિલીવર્સ.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દુનિયામાં ફક્ત ગણ્યાગાંઠ્યા દેશો સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરી રહ્યાં છે અને તેમણે કોરોનાને કારણે ઊભી થયેલી અડચણો પછી વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત આમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા આતુર છે અને તેમણે દેશની ટેક સ્પેસ, પરમાણુ અને ડિજિટલ પાવર પર પ્રકાશ પાડ્યો હતો. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વાણિજ્યિક ઉત્પાદનનો લાભ લેવા માટે ભારત અગ્રેસર છે એ ભવિષ્યની યોજનાઓનું વિસ્તૃત વિવરણ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એ દિવસ બહુ દૂર નથી કે જ્યારે ભારત સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે લેવાયેલા નીતિગત નિર્ણયો માટે ભારતને ભવિષ્યમાં વ્યૂહાત્મક લાભ મળશે, કારણ કે તેમણે વેપાર-વાણિજ્યમાં સરળતાને પ્રોત્સાહન આપવાનો અને કાયદાનું સરળીકરણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં થોડાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલન નાબૂદ કરવામાં આવ્યાં છે અને એફડીઆઇ માટેનાં નિયમો પણ સરળ બનાવવામાં આવ્યાં છે. સંરક્ષણ, વીમા અને ટેલિકોમ ક્ષેત્રોમાં એફડીઆઈ નીતિઓને ઉદાર બનાવવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ઉત્પાદનમાં ભારતની વધતી સ્થિતિ વિશે પણ વાત કરી હતી, જેમાં મોટા પાયે ઇલેક્ટ્રોનિક અને આઇટી હાર્ડવેર ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક ક્લસ્ટર્સ માટે પીએલઆઇ યોજનાઓ પ્રદાન કરવામાં આવી છે, જેથી ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમના વિકાસ માટે એક મંચ પ્રદાન કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અત્યારે ભારત દુનિયામાં મોબાઇલનું બીજું સૌથી મોટું ઉત્પાદન કરે છે. ભારતના ક્વોન્ટમ મિશનની શરૂઆત, નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના અને ભારતના એઆઈ મિશનના વિસ્તરણ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ટેકનોલોજી અપનાવવા ઉપરાંત ટેકનોલોજીને આગળ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેમિકન્ડક્ટરનાં સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. ઉદ્યોગોની વિશાળ શ્રેણી પર સેમિકન્ડક્ટરના વિસ્તરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ જ નથી, પણ તે અમર્યાદિત સંભવિતતાઓથી ભરેલા દ્વાર ખોલે છે.” પીએમ મોદીએ વૈશ્વિક ચિપ ડિઝાઇન અને ઉત્પાદનમાં ભારતીય પ્રતિભાઓની વિશાળ હાજરી તરફ પણ ધ્યાન દોર્યું હતું. એટલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં આજે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે ભારતની પ્રતિભાની ઇકોસિસ્ટમ પૂર્ણ થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી તેમના માટે ઊભી થયેલી તકોથી સારી રીતે વાકેફ છે, પછી તે અંતરિક્ષ ક્ષેત્ર હોય કે મેપિંગ ક્ષેત્ર. તેમણે યુવાનો માટે આ ક્ષેત્રો ખોલવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે અભૂતપૂર્વ પ્રોત્સાહનનો શ્રેય આપ્યો હતો અને કહ્યું હતું કે, આજનો આ પ્રસંગ સેમિકન્ડક્ટર સ્પેસમાં સ્ટાર્ટઅપ માટે નવી તકોનું સર્જન કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજની તારીખનાં વિવિધ પ્રોજેક્ટ યુવાનો માટે અસંખ્ય અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંબંધિત રોજગારી પ્રદાન કરશે.
લાલ કિલ્લા પરની વાત યાદ કરતા – યહી સમય હૈ સહી સમય હૈ જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માન્યતા સાથે લેવામાં આવેલી નીતિઓ અને નિર્ણયો નોંધપાત્ર પરિણામો આપે છે. “ભારત હવે જૂના વિચાર અને જૂના અભિગમથી ઘણું આગળ વધી ગયું છે. ભારત હવે ઝડપી ગતિએ નિર્ણયો લઈ રહ્યું છે અને નીતિઓ બનાવી રહ્યું છે.” તેમણે ધ્યાન દોર્યું હતું કે ભારતના સેમિકન્ડક્ટર સ્વપ્નોની સૌપ્રથમ કલ્પના 1960ના દાયકામાં કરવામાં આવી હતી, પરંતુ ઇચ્છાશક્તિના અભાવે અને ઠરાવોને સિદ્ધિઓમાં રૂપાંતરિત કરવાના પ્રયાસને કારણે તત્કાલીન સરકારો તેમના પર કામ કરવામાં નિષ્ફળ રહી હતી. તેમણે અગાઉની સરકારોની દેશની સંભવિતતા, પ્રાથમિકતાઓ અને ભવિષ્યની જરૂરિયાતોને સમજવામાં અસમર્થતા અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. વર્તમાન સરકારનાં ભવિષ્યલક્ષી અભિગમ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદનનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, સરકારે દેશની તમામ પ્રાથમિકતાઓનું ધ્યાન રાખ્યું છે, કારણ કે તેમણે ગરીબો માટે પાકા મકાનોમાં રોકાણના ઉદાહરણો આપ્યા હતા તેમજ સંશોધનને પ્રોત્સાહન આપ્યું હતું, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં આગળ વધવા માટે વિશ્વની સૌથી મોટી સ્વચ્છતા ચળવળ ચલાવી હતી અને ગરીબીમાં ઝડપથી ઘટાડો કરીને મોટા પાયે માળખાગત રોકાણ કર્યું હતું, જે અખંડ ભારતના લક્ષ્ય સાથે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વર્ષ 2024માં જ શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને રૂ. 12 લાખ કરોડથી વધારેનાં મૂલ્યની યોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.” પ્રધાનમંત્રીએ ગઈકાલે પોખરણમાં ભારત શક્તિ કવાયતનો ઉલ્લેખ કર્યો હતો, જેણે 21મી સદીનાં ભારતનાં આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રની ઝાંખી કરાવી હતી અને ભારત અગ્નિ-5 સ્વરૂપે વિશ્વની વિશિષ્ટ ક્લબમાં સામેલ થયું હતું. 2 દિવસ પહેલા કૃષિમાં ડ્રોન ક્રાંતિની શરૂઆત જ્યાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ હજારો ડ્રોન મહિલાઓને સોંપવામાં આવ્યા હતા, ગગનયાન માટે ભારતની તૈયારીઓએ વેગ પકડ્યો હતો, અને તાજેતરમાં જ ભારતના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “આ તમામ પ્રયાસો ભારતને વિકાસના લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે. અને ચોક્કસપણે, આજની આ ત્રણ યોજનાઓની પણ આમાં મોટી ભૂમિકા હશે, એમ પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ આજની દુનિયામાં એઆઈના ઉદભવ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ટૂંક સમયમાં જ તેમના સંબોધનનું બહુવિધ ભાષાઓમાં ભાષાંતર થવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીનો સંદેશો સમગ્ર દેશમાં ભારતીય ભાષાઓમાં ફેલાવવાની પહેલ કરવા બદલ ભારતનાં યુવાનોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતનાં યુવાનો સક્ષમ છે અને તેમને તકની જરૂર છે. સેમિકન્ડક્ટર પહેલ આજે ભારતમાં આ તક લાવ્યું છે.” તેમણે પૂર્વોત્તરમાં થઈ રહેલા વિકાસની પ્રશંસા કરી હતી, કારણ કે આજે આસામમાં ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓમાંથી એકનો શિલાન્યાસ થઈ રહ્યો છે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ સૌને ભારતની પ્રગતિને મજબૂત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે, “મોદીની ગેરંટી તમારા અને તમારા ભવિષ્ય માટે છે.”