પટના: લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકજનશક્તિ પાર્ટી -રામવિલાસે એક બેઠક પર પોતાના ઉમેદવારને નિર્ધારીત કરી લીધો છે. જો કે અન્ય ચાર બેઠકો પર હજી ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી નથી. તેમણે કહ્યુ છે કે એક અથવા બે દિવસોમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવશે. કાકા પશુપતિ પારસને લઈને ચિરાગ પાસવાને કહ્યુ છે કે તેઓ એનડીએની સાથે રહેશે કે નહીં તે નિર્ણય તેમણે લેવાનો છે. તેમણે નક્કી કરવાનું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીના 400 પાર બેઠકો પ્રાપ્ત કરવાની સાથે રહેશે અથવા નહીં, આ નિર્ણય તેમણે લેવાનો છે. કારણ કે પશુપતિ પારસે કહ્યુ હતુ કે તેઓ આખરી શ્વાસ સુધી પીએમ મોદી સાથે રહેશે. ચિરાગ પાસવાને કહ્યુ છે કે જો કાકા હાજીપુરથી તેમની વિરુદ્ધ ચૂંટણી લડે છે, તો તેઓ દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.
એલજેપી-રામવિલાસના સંસદીય બોર્ડની બેઠક બુધવારે યોજાઈ હતી. તેમાં ચિરાગ પાસવાને હાજીપુરથી ચૂંટણી લડવા પર મંજૂરીની મ્હોર મારી હતી. જો કે બુધવારે બેઠકમાં જમુઈ, વૈશાલી, ખગડિયા સહીતની ચાર બેઠકો પર કોણ ચૂંટણી લડશે, તેના પર સંમતિ સધાઈ ન હતી. ચિરાગે બુધવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે એક કે બે દિવસમાં અન્ય ચાર બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને એનડીએની બેઠક વહેંચણીમાં એલજેપીમાં ચિરાગ પાસવાન જૂથને પાંચ બઠકો મળી, જ્યારે તેમના કાકા પશુપતિ પારસના જૂથ આરએલજેપીને એકપણ બેઠક ફાળવાય ન હતી. આનાથી નારાજ થયેલા પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે તેમમે હજી પોતાના આગામી પગલાને લઈને કોઈ ઘોષણા કરી નથી. માનવામાં આવે છે કે તેઓ એનડીએ છોડીને મહાગઠબંધન અથવા એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. પારસે પણ બુધવારે આરએલજેપી સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે અને તેમાં મોટા નિર્ણયની શક્યતા છે.