ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાન પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને પ્રાચર શરૂ કરી દીધો છે. બીજી તરફ આ વિધાનસભાની ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શકયતા છે.
લોક જનશક્તિ પાર્ટી એટલે કે એલજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં એલજીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની ચિરાગ પાસવાને તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા કરી હતી. તેમજ ચુંટણીને લઈને રણનીતિ તૈયાર કરી હતી.
વિધાનસભાની ચૂંટણીને લઈને આગામી દિવસોમાં ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પરંતુ રાજકીય પક્ષોના નેતાઓની ગુજરાતની મુલાકાત સતત વધી રહી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.